જામનગરમાં GSTની જટિલ આંટીઘૂંટીના વિરોધમાં ઉદ્યોગોની સજ્જડ હડતાલ

ભારતના સૌથી મોટા બ્રાસ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા જામનગરમાં 7000 જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જે અંદાજિત 3.5 લાખથી વધુ લોકોને સીધી કે આડકતરી રોજગારી પૂરી…

ભારતના સૌથી મોટા બ્રાસ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા જામનગરમાં 7000 જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જે અંદાજિત 3.5 લાખથી વધુ લોકોને સીધી કે આડકતરી રોજગારી પૂરી પાડે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ જીએસટી વિભાગ દ્વારા અપાતી આડેધડ નોટિસો અને કાયદાકીય જટિલતાઓના ચક્રવ્યૂહમાં ફસાયો છે. આ ગંભીર મુશ્કેલીઓના નિવારણ માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન ફેસ 2/3 સહિતની તમામ સંલગ્ન સંસ્થાઓના સહયોગથી આજે એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદનપત્ર થકી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ જીએસટી કાયદામાં યોગ્ય અને વ્યવહારુ સુધારાઓ કરવાની અને કાયદાનું સરળીકરણ કરવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે.

આ જટિલ સમસ્યા અંગે ઉદ્યોગના અગ્રણીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જામનગર બ્રાસ પાર્ટ્સનું મોટું હબ હોવાથી અહીં વર્ષોથી મોટા પ્રમાણમાં બ્રાસ સ્ક્રેપ ડમ્પ થાય છે અને કેટલાક તત્વો દ્વારા આચરવામાં આવતી જીએસટીની ચોરીની સજા નિર્દોષ અને પ્રામાણિક બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ તથા વેપારીઓએ ભોગવવી પડી રહી છે. પ્રામાણિકપણે ખરીદી કરતા બોનાફાઇડ ખરીદદારોને આ કાયદાની આંટીઘૂંટીઓમાંથી મુક્તિ મળવી જોઈએ અને જેઓ ખરેખર જીએસટીની ચોરી કરે છે તેમને જ સજા થવી જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે. ગેરકાયદેસર અને આડેધડ રીતે અપાતી નોટિસો બંધ થવી જોઈએ તેવી માંગ સાથે ઉદ્યોગકારો દ્વારા જીએસટી કાયદાને સરળ બનાવવાની અપીલ કરવામાં આવી છે જેથી એમએસએમઇ એકમો પર કાર્યકારી મૂડીનો વધતો જતો બોજ અને આઈટીસી સંબંધિત ગૂંચવણો દૂર થઈ શકે.

જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટ વિષ્ણુ પટેલે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગરના સાડા ચાર હજાર જેટલા ઉદ્યોગકારોને અત્યાર સુધીમાં 3391 જેટલી ડીમાન્ડ નોટિસો ફટકારવામાં આવી છે. આ નોટિસો થકી ઉદ્યોગકારો પાસે કુલ રૂૂ. 2150 કરોડથી વધુની જંગી રકમની માંગણી કરવામાં આવી છે, જે અત્યંત ચિંતાજનક છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે જામનગરમાં માસિક 20,000 ટન બ્રાસનું ક્ધઝપ્શન થાય છે અને આ ઉદ્યોગ દર મહિને સરકારને અંદાજે 450 થી 500 કરોડ રૂૂપિયાનું જીએસટીનું ચૂકવણું કરે છે. આમ છતાં, જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા મનફાવે તેમ જીએસટી કલમ 73, 74, 74એ અને 122 હેઠળ નોટિસો આપીને ઉદ્યોગકારોને પરેશાન કરવામાં આવી રહ્યા છે, જે એક પ્રકારે સરકાર વિરુદ્ધનું કામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *