ગેસની તંગીના કારણે ઉદ્યોગોને વૈકલ્પિક ઈંધણ વાપરવાની છૂટ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બહાર પાડેલો પરિપત્ર, માન્યતા પ્રાપ્ત બળતણ વાપરી શકાશે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં, ગેસની સ્થિતિ અંગે ઉર્જા વિભાગ અને ગેસ કંપનીઓ…

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બહાર પાડેલો પરિપત્ર, માન્યતા પ્રાપ્ત બળતણ વાપરી શકાશે

રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં, ગેસની સ્થિતિ અંગે ઉર્જા વિભાગ અને ગેસ કંપનીઓ સાથે હર્ષ સંઘવીએ યોજેલી બેઠક

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ સર્જાઈ છે. જેને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની હંગામી મંજૂરી આપી છે. આ મામલે GPCB એ પરિપત્ર જાહેર કર્યા છે. GPCBના પરિપત્ર મુજબ, મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે ગેસના સપ્લાયમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેની વિપરીત અસર રાજ્યના ઉદ્યોગોના ઉત્પાદન પર પડે તેવી સંભાવના છે. આ દરમિયાન ઉદ્યોગોની કાર્યક્ષમતા જળવાઈ રહે અને આર્થિક ગતિવિધિઓ ન અટકે એટલાં માટે GPCB એ હંગામી ધોરણે માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની પરવાનગી આપી છે.

જીપીસીબીના પરિપત્ર મુજબ જે ઉદ્યોગોમાં હાલમાં ગેસ આધારિત યુટિલિટીઝ કાર્યરત છે, તેઓ ગેસના અભાવે જીપીસીબી દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણનો ઉપયોગ કરી શકશે. જેના માટે તેઓ દ્રારા કોઇ અલગથી મંજુરી જેવી કે CTE CCA મેળવવાની રહેશે નહિં. પરંતુ બોર્ડને આ બાબતે વિગતવાર જાણ કરવાની રહેશે જેમાં યુટિલિટીઝના નામ, કેપેસીટી, પ્રપોઝડ પ્રવાહી બળતણનું નામ અને જથ્થો વિ. દર્શાવવાનું રહેશે.વધુમાં આ પ્રવાહી બળતણનો વપરાશ જથ્થો, પુરવઠામાં ઘટ પડી રહેલ ગેસના જથ્થાની સાપેક્ષ માત્રામાં કરવાનો રહેશે અને તેના વપરાશ અંગેનો રેકોર્ડ જાળવવાનો રહેશે.

પર્યાવરણના હિતમાં, બોર્ડ દ્વારા જે બળતણને માન્યતા આપવામાં આવી નથી. તેવા કોઈપણ બળતણનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેનો ઉપયોગ કરવો નહિં. બીજીતરફ ગુજરાત સરકારે રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઊર્જા વિભાગના અધિકારીઓ અને સરકારી ગેસ કંપનીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા.

બેઠકમાં રાજ્યમાં એલએનજી અને એલપીજીના પુરવઠા, ઉપલબ્ધ સ્ટોક તેમજ ભવિષ્યમાં ઉભી થઈ શકે તેવી સંભાવિત સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ રાજ્યમાં હાલ ગેસ સપ્લાયની સ્થિતિ, આયાતની વ્યવસ્થા અને ગેસ વિતરણ તંત્ર અંગે પ્રસ્તુતિ આપી હતી.ગુજરાત ઉદ્યોગપ્રધાન રાજ્ય હોવાથી અહીં મોટા પાયે ઉદ્યોગો નેચરલ ગેસ પર આધારિત છે. ટેક્સટાઇલ, કેમિકલ, સેરામિક સહિતના અનેક ઉદ્યોગોમાં ગેસનો વ્યાપક ઉપયોગ થાય છે.

તેથી વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠામાં થતી હલચલનો પ્રભાવ રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્ર પર પણ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ગેસ કંપનીઓ સાથે પૂર્વ તૈયારીરૂૂપે ચર્ચા કરવામાં આવી છે.બેઠક દરમિયાન અધિકારીઓને ગેસ સપ્લાય ચેઇન ઉપર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને ઉદ્યોગો તેમજ ઘરેલુ વપરાશકર્તાઓને પુરવઠામાં કોઈ ખલેલ ન પડે તે માટે જરૂૂરી આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં ગેસ આયાત, સ્ટોરેજ ક્ષમતા અને વિતરણ વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જરૂૂર પડે તો વિકલ્પરૂૂપે ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે પણ પગલાં લેવા પર વિચાર કરવામાં આવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક દરમિયાન જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગેસ પુરવઠાની સ્થિતિ ઉપર સતત મોનિટરિંગ શરૂૂ કર્યું છે. કોઈપણ સંજોગોમાં રાજ્યના નાગરિકો અને ઉદ્યોગોને ગેસ પુરવઠામાં અછત અનુભવવી ન પડે તે માટે તમામ ગેસ કંપનીઓને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ભારત પોતાની ગેસ જરૂૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે અને તેમાં મધ્ય પૂર્વના દેશો મહત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં વધતા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા ઊભી થવાની શક્યતા રહે છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે સમયસર સમીક્ષા કરીને રાજ્યમાં ગેસ સપ્લાયની સ્થિતિ પર નજર રાખવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં પણ પરિસ્થિતિ મુજબ સમીક્ષા કરીને જરૂૂરી પગલાં લેવામાં આવશે તેવી માહિતી સૂત્રોએ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *