શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા કાવેરી પાર્કમાં રહેતા કારખાનેદારની પત્ની સવારના અરસામાં સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે ઘર નજીક પહોંચતા જ ચાલુ સ્કૂટરે હદય રોગનો હુમલો આવી જતા સ્કૂટર પરથી પટકાયા હતા. પરિણીતાનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં આવેલા કાવેરી પાર્કમાં રહેતી રમીલાબેન લાલજીભાઈ ભાદાણી નામની 36 વર્ષની પરિણીતા પોતાના ઘર પાસેથી સ્કૂટર લઈને પસાર થઈ રહી હતી ત્યારે ચાલુ સ્કૂટર બેભાનમાં ઢળી પડતા તેણીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી પરિણીતાનું હૃદય રોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરણીતાના પતિ લાલજીભાઈ ભાદાણીને પ્લાસ્ટિકનું કારખાનું છે અને તેમને સંતાનમાં એક પુત્રી છે રમીલાબેન ભાદાણી સવારના અરસામાં પોતાનું સ્કૂટર લઈને જઈ રહ્યા હતા. ત્યારે ચાલુ સ્કૂટરે આવેલો હદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલોસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.