શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલ નવા ગણેશનગરમાં રહેતા કારખાનેદારે લોનના હપ્તા ચડી જતા કોરાટ ચોક પાસે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર આવેલી નવા ગણેશનગર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ નરોતમભાઈ સિધ્ધપરા નામના 45 વર્ષના પ્રૌઢ સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોરાટ ચોક પાસે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી.
આપઘાતનો પ્રયાસ કરનાર પ્રકાશભાઈ સિધ્ધપરાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશભાઈ સિધ્ધપરા એક ભાઈ એક બહેનમાં મોટા છે. અને તેમને સંતાનમાં એક પુત્રી છે. પ્રકાશભાઈ સિદ્ધપરા ખોખડદળ પાસે વેલ્ડીંગનું કારખાનું ધરાવે છે. પ્રકાશભાઈ સિધ્ધપરાએ ધંધા માટે બેંકમાંથી લોન લીધી હતી પરંતુ ધંધો નહીં ચાલતા લોન હપ્તાના રૂૂ.8 થી 9 લાખ ચડી જતા પ્રકાશભાઈ સિધ્ધપરાએ આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
