બસંત કુમાર મેઘવાલ વર્લ્ડ ઍથ્લેટિક્સ અન્ડર-20 ચેમ્પિયનશિપ્સમાં ઊંચા કૂદકાની હરીફાઈમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ઍથ્લીટ બન્યો છે. શનિવારે સ્પર્ધાના ચોથા દિવસે તેણે બીજા નંબર પર આવીને સિલ્વર મેડલ જીતી લીધો હતો, જ્યારે ભારતના જ શાહનવાઝ ખાને લાંબા કૂદકાની હરીફાઈમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
19 વર્ષનો મેઘવાલ રાજસ્થાનમાં સરહદી ભાગમાં આવેલા શ્રી ગંગાનગર જિલ્લાના અનુપગઢનો છે. તેણે આ વિશ્વ સ્પર્ધામાં 2.21 મીટર ઊંચો કૂદકો માર્યો હતો.
તે ભારતીય નૌકા દળનો છે અને 2.21 મીટર આ રમતમાં તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે. ભારતની ભૂતપૂર્વ રાષ્ટ્રીય વિક્રમધારક હાઇ જમ્પર સહાના કુમારી તેની કોચ છે.
લાંબા કૂદકાની હરીફાઈમાં ભારતના શાહનવાઝ ખાને 7.84 મીટર લાંબો કૂદકો લગાવીને કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. હરીફાઈમાં આ તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ હતો. તેના ક્રમવાર લાંબા કૂદકા આ મુજબના હતા: 7.67 મીટર, 7.72 મીટર, 7.84 મીટર, 7.52 મીટર, 7.83 મીટર અને 5.37 મીટર. તે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના મધઈપુર ગામનો છે. તેના પિતા ટેક્સીચાલક છે.
