ઇટાલીને હરાવી ભારતીય મહિલા હોકી ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં

એક માત્ર મનીષા ચૌહાણનો ગોલ, હવે ઇંગ્લેન્ડ સામે ટક્કર ભારતે મહિલા હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. વર્લ્ડ કપ ક્વોલિફાયર્સની સેમિફાઇનલમાં ભારતે ઇટાલીને…

એક માત્ર મનીષા ચૌહાણનો ગોલ, હવે ઇંગ્લેન્ડ સામે ટક્કર

ભારતે મહિલા હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. વર્લ્ડ કપ ક્વોલિફાયર્સની સેમિફાઇનલમાં ભારતે ઇટાલીને 1-0થી હરાવી દીધું હતું. ઇટાલી સામે મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી એક માત્ર ગોલ મનીષા ચૌહાણે કર્યો હતો. હવે ફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડની ટક્કર થશે. ભારતીય મહિલા હોકી ટીમ હવે 15થી 30 ઓગસ્ટ સુધી બેલ્જિયમ અને નેધરલેન્ડ્સની યજમાનીમાં રમનાર વર્લ્ડ કપમાં ભાગ લેશે.

ઇટાલી સામેની મેચની વાત કરીએ તો ભારતીય ટીમની મિડફિલ્ડર મનીષા ચૌહાણે 40મી મિનિટે ગોલ કર્યો હતો. પહેલા ક્વાર્ટરમાં બંને ટીમ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી હતી. ભારતે બે વખત સંપૂર્ણ શક્તિથી સર્કલમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઇટાલીએ જબરદસ્ત કાઉન્ટર એટેક કર્યો અને ઘણી વાર ગોલ કરવાની તકો ઊભી કરી. તેમ છતાં, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પણ ઉત્તમ રમત બતાવી અને પહેલા ક્વાર્ટરમાં ઇટાલીને એક પણ ગોલ કરવા દીધો નહીં. બીજા ક્વાર્ટરમાં ભારતે ગોલ કરવા માટે અનેક તકો બનાવી, પરંતુ સફળતા મળી નહીં. ભારતને 18મી મિનિટે પહેલો પેનલ્ટી કોર્નર મળ્યો.

તે સમયે ટીમ ઇન્ડિયાની નવનીત કૌરે સારો શોટ માર્યો, પરંતુ ઇટાલીની ગોલકીપર લુસિયા ઇનેસ કારુસોએ તેને અટકાવી દીધો. 27મી મિનિટે ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ આ વખતે નવનીતનો શોટ ગોલ પોસ્ટથી દૂર રહ્યો. આમ ભારત બંને પેનલ્ટી કોર્નરમાં ગોલ કરી શક્યું નહીં. બીજા હાફની શરૂૂઆતમાં ઇટાલીએ જોરદાર વાપસી કરવાનો પ્રયાસ કર્યો.

એમિલિયા મ્યુનિટિસે ભારતીય ડિફેન્ડરને પાછળ મૂકી, પરંતુ ગોલકીપર બિચૂ દેવી ખારીબામે શાનદાર બચાવ કર્યો. 40મી મિનિટે ભારતને ફરી એકવાર પેનલ્ટી કોર્નર મળ્યો અને આ વખતે મનીષા ચૌહાણે શક્તિશાળી શોટ મારીને ઇટાલીની ડિફેન્સ લાઇનને ભેદી ગોલ કર્યો. છેલ્લા ક્વાર્ટરમાં ભારતને વધુ બે પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ તેમાં પણ ગોલ થઈ શક્યો નહીં. અંતિમ મિનિટોમાં ઇટાલીએ મેચ બરાબરી કરવા માટે પૂરો પ્રયાસ કર્યો, છતાં તેઓ ગોલ કરવામાં નિષ્ફળ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *