અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ગયેલા વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થઈ ગયું છે. શિકાગો નજીક ઈન્ડિયાના સ્ટેટના હાઇવે પર શનિવારે મોડી રાત્રે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની નવ્યા ગડુસુનું મોત નીપજ્યું હતું, જ્યારે વાહનમાં સવાર અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતક યુવતી મૂળ તેલંગાણાના નલગોંડા જિલ્લાની રહેવાસી હતી અને હાલ શિકાગોમાં રહીને અભ્યાસ કરતી હતી.
ઈન્ડિયાના સ્ટેટ પોલીસના સત્તાવાર રિપોર્ટ અનુસાર, આ અકસ્માત શનિવારે રાત્રે અંદાજે 11:15 વાગ્યે ક્રાઉન પોઇન્ટ નજીક ઇન્ટરસ્ટેટ 65 (ઈં-65)ના નોર્થબાઉન્ડ હાઈવે પર સર્જાયો હતો. એક લાલ રંગની 2016 મોડલની ડોજ મિનીવાન જેમાં નવ્યા સહિત સાત પુખ્ત વયના લોકો સવાર હતા, તે હાઇવે પર આગળ જઈ રહેલા એક અન્ય વાહનની પાછળ ખૂબ જ ધીમી ગતિએ જઈ રહી હતી. આગળ ચાલી રહેલા એ વાહનમાં કોઈ મોટી યાંત્રિક ખામી સર્જાઈ હોવાના કારણે તેની ઝડપ ઓછી હતી.
આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી શેવરોલે સબર્બન (એસયુવી કારના ચાલકને અંદાજ ન આવ્યો કે, આગળ ચાલી રહેલી મિનીવાન આટલી ધીમી ગતિએ ચાલી રહી છે. અકસ્માત ટાળવા માટે ચાલકે વાહનને ડાબી બાજુ વાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઝડપ વધુ હોવાના કારણે તે વાહન પરથી નિયંત્રણ ગુમાવી બેઠો હતો. પરિણામે, એસયુવી મિનીવાનની ડાબી બાજુએ જોરદાર રીતે ભટકાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે મિનીવાન હાઇવે પરથી ફંટાઈને રોડ કિનારે આવેલા ઊંડા ખાડામાં જઈને ખાબકી હતી.
પોલીસ તપાસમાં એક અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે. અકસ્માતનો ભોગ બનેલી મિનીવાનમાં માત્ર આગળની બે સીટો જ ઉપલબ્ધ હતી. પાછળની સીટો કાઢી નાખવામાં આવી હતી અને વાહનમાં સવાર અન્ય પાંચ મુસાફરો સીટ બેલ્ટ બાંધ્યા વિના જ અંદર મુકેલા કેરીના બોક્સ પર બેઠા હતા. સુરક્ષાના આ ગંભીર ભંગ અને વાહનની જોરદાર ટક્કરના કારણે મુસાફરોને આંતરિક અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
