ગુજરાતીની મોટેલમાં પત્ની-પુત્રની નજર સામે જ કયુબાના શખ્સે આચર્યો ભયાનક હત્યાકાંડ
વોશિંગ મશીન વાપરવાની ના પાડતા ઝનુનપૂર્વક રહેંસી નાખ્યો, કાપેલુ માથું કચરામાં ફેંકી નાસી છુટયો
અમેરિકાના ડલાસમાં એક ભયાનક હત્યાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. અહીં એક ભારતીય વ્યક્તિનું માથું 4 મિનિટમાં 60થી વધુ ઘા મારીને ધડથી અલગ કરી દેવામાં આવ્યું છે. આ ક્રૂર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં આરોપી કપાયેલા માથાને ફૂટબોલની જેમ લાત મારતો જોવા મળે છે.
મૃતક 50 વર્ષીય ચંદ્રમૌલી નાગમલ્લૈયા હતા, જેઓ મૂળ દક્ષિણ ભારતના હતા. તેઓ બારડોલીના એનઆરઆઇ ચંપક રણછોડભાઈ પટેલ (લેઉવા પટેલ) પાસેથી મોટેલ લીઝ પર લઈને ચલાવતા હતા. આ કરપીણ હત્યા તેમની પત્ની અને પુત્રની સામે જ થઈ હતી. આ ઘટનાએ ડલાસમાં રહેતા ભારતીય સમુદાયમાં શોક અને ભયની લાગણી ફેલાવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના બુધવારે (10 સપ્ટેમ્બર) બની હતી. મોટેલમાં રહેતા 37 વર્ષીય ઇમિગ્રન્ટ યોર્દાનીસ કોબોસ-માર્ટિનેઝ અને ચંદ્રમૌલી નાગમલ્લૈયા વચ્ચે એક તૂટેલા વોશિંગ મશીનનો ઉપયોગ કરવા બાબતે ઝઘડો શરૂૂ થયો હતો. ચંદ્રમૌલીએ માર્ટિનેઝને તૂટેલા મશીનનો ઉપયોગ ન કરવા કહ્યું, જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ઝઘડો એટલો વકર્યો કે ગુસ્સે ભરાયેલા માર્ટિનેઝે ચંદ્રમૌલી પર કુહાડી અને ચાકુથી હુમલો કર્યો.
આ હુમલો એટલો ભયાનક હતો કે તે આરોપી ચંદ્રમૌલી નાગમલ્લૈયાને સતત ત્યાં સુધી મારતો રહ્યો, જ્યાં સુધી તેમનું માથું ધડથી અલગ ન થઈ ગયું. ઘટના બાદ તરત જ ડલાસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી યોર્દાનીસ કોબોસને લોહીથી લથબથ હાલતમાં અને કુહાડી સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર કેપિટલ મર્ડર (ગંભીર ગુના માટે હત્યા)નો આરોપ મૂકવામાં આવ્યો છે.
હત્યાની ઘટના સમયે ચંદ્રમૌલી મદદ માટે બૂમો પાડી રહ્યા છે. એ સમયે તેમનાં પત્ની અને પુત્ર મોટેલના ફ્રન્ટ ઓફિસમાં હાજર હતાં. હુમલાથી બચવા માટે ચંદ્રમૌલી મોટેલના પાર્કિંગમાં દોડ્યા, પરંતુ માર્ટિનેઝે તેનો પીછો કર્યો અને તેના પર સતત હુમલો કર્યો. જ્યારે ચંદ્રમૌલીની પત્ની અને પુત્રએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે યોર્દાનીસે તેમને ધક્કો મારીને દૂર કર્યા અને ભયાનક રીતે ચંદ્રમૌલીનું માથું ધડથી અલગ કરી નાખ્યું.
આ હુમલો એટલો ક્રૂર હતો કે, યોર્દાનીસે કપાયેલા માથાને બેવાર લાત મારી અને પછી તેને કચરાપેટીમાં ફેંકી દીધું, ભારતીય દુતાવાસે આ બનાવ અંગે કહ્યું: અમે ચંદ્રમૌલીના પરિવાર સાથે સંપર્કમાં છીએ અને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ. આરોપી ડલાસ પોલીસની કસ્ટડીમાં છે. અમે આ મામલા પર નજર રાખી રહ્યા છીએ. પોલીસે જણાવ્યું હતું કે નજીકના ડલાસ ફાયર અને રેસ્ક્યૂ કર્મચારીઓએ લોહીથી લથપથ યોર્દોનીસનો પીછો કર્યો હતો, ત્યાર બાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. યોર્દોનીસે હત્યામાં છરીનો ઉપયોગ કર્યાની કબૂલાત કરી છે, જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે હુમલો પૂર્વયોજિત હતો કે નહીં.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યોર્દાનીસ કોબોસ-માર્ટિનેઝનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. વર્ષ-2017માં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. સાઉથ લેક તાહો પોલીસે તેની ત્યારે ધરપકડ કરી હતી. જ્યારે તે નગ્ન અવસ્થામાં એક 22 વર્ષીય મહિલાની ગાડી ચોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ સમયે તેણે મહિલાને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને પોતે અંદર ઘૂસીને કાર ચોરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે મહિલા પણ કારમાં જ હતી. આ હત્યાએ ડલાસમાં વસતા ભારતીય સમુદાયમાં શોક અને ભયની લાગણી ફેલાવી છે. સ્થાનિક પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
