કોહલીની 93 અને શુભમન ગિલની 56 રનની નિર્ણાયક ઈનિંગ, સિરાજ, રાણા અને કૃષ્ણાએ ઝડપી 2-2 વિકેટ
ભારતે વર્ષ 2026ની શરૂૂઆત ધમાકેદાર જીત સાથે કરી છે. વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટે વિજય મેળવીને ત્રણ મેચોની વનડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 300 રનનો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે, કોહલી સદી ચૂકી ગયો હતો અને તેના આઉટ થતાની સાથે જ થોડીવાર માટે મેચનું પાસું પલટાઈ ગયું હતું. ભારતે માત્ર 7 બોલની અંદર 3 વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ સંકટમોચક બનેલા કે.એલ. રાહુલ અને હર્ષિત રાણા વચ્ચે 37 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ થઈ હતી. હર્ષિત 29 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ રાહુલે અંત સુધી અણનમ રહીને શાનદાર સિક્સર સાથે ભારતને જીત અપાવી હતી.
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ વર્ષ 2026ની શરૂૂઆત પણ ધમાકેદાર અંદાજમાં કરી છે. વિરાટ ભલે સદી ચૂકી ગયા, પરંતુ તેમની 93 રનની ઇનિંગ ભારત માટે ખૂબ જ કિંમતી સાબિત થઈ. તેમણે વનડે ઇન્ટરનેશનલમાં પોતાની 77મી અડધી સદી ફટકારી. રસપ્રદ વાત એ છે કે કોહલી છેલ્લા 5 દાવથી સતત 50+ સ્કોર કરી રહ્યા છે.
વિરાટ કોહલી સિવાય કેપ્ટન શુભમન ગિલે પણ 71 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું હતું. લાંબા સમય પછી વાપસી કરી રહેલા શ્રેયસ અય્યરે 49 રનની ઝડપી ઇનિંગ રમી હતી, જો કે બન્ને મેચના મહત્વના સમયે આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ કેએલ રાહુલે મોરચો સંભાળ્યો અને 29 રનની મહત્વની ઇનિંગ રમીને સાબિત કરી દીધું કે શા માટે તેમને ટીમ ઈન્ડિયાના ’સંકટમોચક’ કહેવામાં આવે છે.
આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 300 રન બનાવ્યા હતા. શરૂૂઆતમાં ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સ વચ્ચે 117 રનની પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ બન્નેના આઉટ થતા જ ’બ્લેક કેપ્સ’ની ઇનિંગ વેરવિખેર થઈ ગઈ હતી. જો કે, સ્ટાર બેટ્સમેન ડેરેલ મિશેલે અનુભવ બતાવતા 84 રનની શાનદાર ઇનિંગ રમી અને ન્યુઝીલેન્ડને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધું. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને એક સફળતા મળી, જ્યારે લાંબા સમય પછી ઘઉઈંમાં વાપસી કરી રહેલા રવિન્દ્ર જાડેજા એક પણ વિકેટ લઈ શક્યા નહીં.
વિરાટ કોહલીએ તોડ્યા 5 મહારેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલી માટે વર્ષ 2026 ની શરૂૂઆત ઐતિહાસિક રહી છે. વડોદરાના મેદાન પર ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભલે તે પોતાની કારકિર્દીની 54મી વનડે સદી માત્ર 7 રન માટે ચૂકી ગયો હોય, પરંતુ તેની 93 રનની ઈનિંગ ક્રિકેટના ઈતિહાસ યાદ રહેશે. 91 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે રમેલી આ ઈનિંગ દરમિયાન કિંગ કોહલીએ એકસાથે 5 મોટા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર અને શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારાને પણ પાછળ છોડી દીધા છે. સૌથી ઝડપી 28,000 રનનો વિશ્વવિક્રમ વિરાટ કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી તેજ ગતિએ 28,000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
તેણે પોતાની 624મી ઈનિંગ્સમાં આ જાદુઈ આંકડો સ્પર્શ કર્યો હતો. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, જેમણે 644 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. વિશ્વનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી આ મેચમાં રન બનાવવાની સાથે જ વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. વિરાટના નામે હવે કુલ 28,068 રન છે. તેણે શ્રીલંકાના કુમાર સંગાકારા (28,016 રન) ને પછાડી દીધો છે. હવે તેની આગળ માત્ર સચિન તેંડુલકર (34,357 રન) છે. ગાંગુલીનો રેકોર્ડ તૂટ્યો વડોદરા વનડે એ વિરાટ કોહલીની ભારત માટે 309મી વનડે મેચ હતી. આ સાથે તેણે ભારત તરફથી સૌથી વધુ વનડે મેચ રમવાની બાબતમાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (308 મેચ) ને પાછળ છોડી દીધા છે. આ લિસ્ટમાં સચિન (463), ધોની (347), દ્રવિડ (340) અને અઝહરુદ્દીન (334) કોહલી કરતા આગળ છે.
સતત 50+ સ્કોરનો અનોખો રેકોર્ડ વિરાટ કોહલીનું ફોર્મ સાતમા આસમાને છે. વનડે ક્રિકેટ ઈતિહાસમાં તેણે પાંચમી વખત એવી સિદ્ધિ મેળવી છે જેમાં સતત 5 કે તેથી વધુ ઈનિંગ્સમાં 50 પ્લસ રન બનાવ્યા હોય. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને હવે ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં તેનું બેટ સતત આગ ઓકી રહ્યું છે. છેલ્લી 7 ઈનિંગ્સમાં તેણે કુલ 677 રન ખડક્યા છે. ન્યુઝીલેન્ડ સામે 3,000 રન પૂરા કીવી ટીમ સામે પણ વિરાટનો દબદબો કાયમ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે 3,000 રન પૂરા કરનાર તે વિશ્વનો માત્ર પાંચમો બેટ્સમેન બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, જો રૂૂટ અને જેક્સ કાલિસ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
ભગવાનનો આભારી છું, આશા કરતા શ્રેષ્ઠ કર્યું, કોહલી ભાવુક
મેચ પછી, કોહલીએ એક ભાવુક નિવેદન આપતા કહ્યું કે તેણે જે કંઈ પણ હાંસલ કર્યું છે, તેના માટે તે ભગવાનનો આભારી છે કારણ કે ભગવાને તેને અપેક્ષા કરતાં ઘણું વધારે આપ્યું છે. કોહલીએ કહ્યું, “ઈમાનદારીથી કહું તો, મને ખબર નથી કે મેં કેટલા ’પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ જીત્યા છે. હું બધી ટ્રોફી ગુરુગ્રામમાં મારી માતાને મોકલી દઉં છું. તેમને સાચવીને રાખવું ખૂબ ગમે છે. જો હું મારી આખી સફરને પાછળ વળીને જોઉં, તો તે મારા માટે કોઈ સપનાથી ઓછું નથી.” જ્યારે તેને સદી ચૂકવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે કોહલીએ કહ્યું, “જો હું પૂરી ઈમાનદારીથી કહું, તો હું કોઈ પણ માઈલસ્ટોન વિશે વિચારતો નથી. પીછો કરતી વખતે જ્યારે લક્ષ્ય સામે હોય, ત્યારે તમારે પરિસ્થિતિ મુજબ રમવું પડે છે. મારા મગજમાં માત્ર એક જ વાત હતી કે ટીમને સરળ જીતની સ્થિતિમાં લાવવી છે.” “હું નંબર ત્રણ પર બેટિંગ કરું છું. જો મુશ્કેલ પરિસ્થિતિ હોય, તો હું રાહ જોવાને બદલે કાઉન્ટર-એટેક કરવામાં માનું છું.
