ભારતે અમેરિકા સાથેના વેપાર કરારનો અધ્યાય અટકાવી દીધો છે. અદ્યાપિ જાહેર કરાયેલા ભારત-અમેરિકા વેપાર સમજૂતીના પ્રારૂૂપને લઈને ઉઠતા પ્રશ્નોએ ફરી એ મૂળભૂત સવાલને મજબૂત બનાવ્યો છે કે મુક્ત વેપાર સમજૂતીની કિંમત કોણ ચૂકવશે? અને તેનો લાભ કોને મળશે? આ સમજૂતી સાથે જોડાયેલી આશંકાઓને લઈને કેટલાક ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનો પણ એકવાર તો કરી દીધા છે પરંતુ એમાં પંજાબ અને હરિયાણા બહુ સક્રિય થયા ન હોવાથી એનો પડઘો પડ્યો નથી. જો કે એનો અર્થ એમ પણ નથી કે તેઓ આ વેપાર કરારમાં સંમત છે. તેઓ વેપાર કરારને એના બધા ડાયમેન્શનથી સમજવાની તૈયારી કરી રહ્યા છે. દેશના કિસાનોની ચિંતાઓ માત્ર સોયાબીન તેલ, સુકા અનાજ અને સફરજન પર આયાત શુલ્કમાં છૂટને લઈને જ નથી, પરંતુ વિશ્વાસ, પારદર્શિતા અને ભારતીય કૃષિના ભવિષ્યને લઈને પણ છે. બીજી તરફ સરકાર દાવો કરી રહી છે કે ખેડૂત હિતોની રક્ષા માટે પૂરતા સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.
કાગળ પર તો આ આશ્વાસનો રાહતદાયક લાગે છે, પરંતુ વાસ્તવમાં ખેડૂતોની ચિંતાઓને અવગણવી શક્ય નથી. યુરોપિયન યુનિયન અને ન્યુઝીલેન્ડ સાથે થયેલી અગાઉની મુક્ત વેપાર સમજૂતીઓના પરિણામે સસ્તા આયાતમાં ભારે વધારો થયો હતો, જેના કારણે નબળા ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ બની છે. સ્પષ્ટ છે કે ભારે સબસિડી મેળવનારા અમેરિકન સફરજન સામે હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના સફરજન ઉત્પાદકો માટે સ્પર્ધા કરવી પડકારજનક રહેશે. હિમાચલના સફરજન ઉત્પાદક સંગઠનોનું કહેવું છે કે અમેરિકન સફરજન પર આયાત શુલ્ક પચાસ ટકાથી ઘટાડીને 25 ટકા કરવું અને ન્યૂનતમ આયાત કિંમત 50 રૂૂપિયાથી વધારી 80 રૂૂપિયા પ્રતિ કિલોગ્રામ કરવાથી તે સ્વદેશી પ્રીમિયમ ગુણવત્તાના ભાવમાં જ બજારમાં વેચાશે.
જેના કારણે ભારતીય ગ્રાહકો સમાન કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા અમેરિકન સફરજનને વધુ પસંદ કરશે. ઉપરાંત, સફરજનને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરવું પણ નુકસાનકારક બની જશે. બીજી તરફ કેન્દ્ર સરકારનો દાવો છે કે કૃષિ અને ડેરી ઉદ્યોગ સુરક્ષિત રહેશે. જ્યારે સંયુક્ત સમજૂતીમાં કૃષિ અને ખાદ્ય ઉત્પાદનોની વિશાળ શ્રેણી પર શુલ્ક ઘટાડવા અને ગેર-શુલ્ક અવરોધોને દૂર કરવાની વાત કરવામાં આવી છે. ઓછી આવક, વધતા ખર્ચ અને વધતા કર્જના ભાર હેઠળ સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને આ ગંભીર મુદ્દાઓ પર સ્પષ્ટતા જોઈએ છે. તેથી જ અનેક ખેડૂત સંગઠનો, વિરોધ પક્ષો અને કેટલીક રાજ્ય સરકારોએ માંગ કરી છે કે આ સમજૂતીનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ સંસદ સમક્ષ રજૂ કરવામાં આવે. આ ડિમાન્ડ તર્કસંગત છે, કારણ કે વેપાર સમજૂતીઓ પણ ઘરેલુ કાયદાઓની જેમ જ જીવનનિર્વાહ પર ઊંડો પ્રભાવ પાડે છે.
કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે મજબૂત ઘરેલુ સમર્થન, યોગ્ય ભાવ, સબસિડી, માળખાકીય સુવિધાઓ અને જોખમ સુરક્ષા વગર બજારો ખોલવાના પગલાં નાના અને સીમિત ખેડૂતો માટે ભારે પડી શકે છે. આ જ ચિંતાને કારણે અગાઉની હડતાલ એક ચેતવણી સમાન હતી. પણ સરકારે એની કોઈ નોંધ લીધી નથી. જો સરકારનું માનવું છે કે આ સમજૂતી ખરેખર ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપે છે, તો તેને પારદર્શિતા, સંસદીય ચર્ચા અને અર્થપૂર્ણ પરામર્શ દ્વારા સાબિતી આપવી જોઈએ. નહીં તો સુધારાની કહાની ફરી એક વખત દેશના અન્નદાતાની ચિંતાઓ દૂર કરવામાં નિષ્ફળ રહેશે. તેવી જ રીતે દેશના સફરજન ઉત્પાદકોને પણ વિશ્વાસ આપવો પડશે કે તેમના સફરજનનો આસ્વાદ યથાવત્ રહેશે.
ગંભીર વાત એ છે કે જો સરકારના પેટમાં કંઈ પાપ ન હોય તો સંસદમાં કે પછીથી જાહેરમાં અમેરિકા સાથેના કરારની આખી વાત કેન્દ્રના વિવિધ પ્રધાનોએ વારંવાર બ્લેક એન્ડ વ્હાઈટમાં કહેવી જોઈએ. આપણા દેશમાં આ સરકાર મુખ્યત્વે વિવિધ યોજનાઓના ટેકાવાળી સરકાર છે જે સરકારી વહીવટી તંત્રને બજેટના આયોજન પ્રમાણે વિધિવત્ ચલાવવાને બદલે વચ્ચે વચ્ચે જેની જાહેરાત કરવાનો અને પ્રચાર કરવાનો તેઓને આનંદ આવે છે એવી યોજનાઓ સાથે લઈને જ ચાલે છે. તો એ યોજનાઓ વિશે જે રીતે ઢોલ નગારા વગાડીને વાત કરવામાં આવે છે અને વારંવાર યાદ કરવામાં આવે છે એ જ રીતે કેન્દ્ર સરકારે ભારત અમેરિકા વચ્ચેના વેપાર કરારની વાત વારંવાર દેશની પ્રજા સમક્ષ રજૂ કરવી જોઈએ જેથી પ્રજામાં રહેલી હંસવૃત્તિ પ્રમાણે દૂધનું દૂધ અને પાણીનું પાણી પારખી શકાય. જો કેન્દ્ર સરકારે કંઈ ખોટું ન કર્યું હોય તો છુપાવવા જેવું શું છે એ કોયડો કિસાનોને સતાવે છે.
