નિરવ મોદીને ન સોંપવાથી ભારતે યુકેમાં ગેરકાયદે રહેતાં લોકોને ન સ્વિકાર્યા: પ્રીતિ પટેલનો દાવો

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને બ્રિટનથી ભારત પરત લાવવાની પ્રક્રિયામાં થઈ રહેલા સતત વિલંબને કારણે ભારત અને યુકે વચ્ચેના રાજદ્વારી સંબંધો પર ભારે અસર પડી…

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને બ્રિટનથી ભારત પરત લાવવાની પ્રક્રિયામાં થઈ રહેલા સતત વિલંબને કારણે ભારત અને યુકે વચ્ચેના રાજદ્વારી સંબંધો પર ભારે અસર પડી છે. યુકેના પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલે એક વિસ્ફોટક નિવેદનમાં દાવો કર્યો છે કે બ્રિટન દ્વારા નીરવ મોદીનું પ્રત્યાર્પણ ન કરાતા ભારત સરકાર ભારે આક્રોશમાં હતી અને બ્રિટન સાથે કામ કરવા મુદ્દે અત્યંત નિરાશા અનુભવી રહી હતી. એટલું જ નહીં, આ પ્રકરણના કારણે લંડનમાં ગેરકાયદેસર રીતે રહેતા અને આશ્રય અરજીઓ ફગાવી દેવાઈ હોય તેવા ભારતીયોને પરત સ્વીકારવાની વાટાઘાટોમાં પણ ભારતે સખત વલણ અપનાવ્યું હતું.

પ્રીતિ પટેલ, જેમણે એપ્રિલ 2021માં બાદ નીરવ મોદીના પ્રત્યાર્પણ ઓર્ડરને મંજૂરી આપી હતી, તેમણે સ્વીકાર્યું છે કે તમામ કાનૂની પડકારો પૂર્ણ થયા પછી પણ 55 વર્ષીય નીરવ મોદી હજી પણ યુકેમાં જ છે તે જોઈને તેઓ ભારે આઘાત અને આશ્ચર્ય અનુભવે છે.

ડેઇલી ટેલિગ્રાફના પોડકાસ્ટમાં વાત કરતા પ્રીતિ પટેલે યુકેની કાનૂની સિસ્ટમ પર સીધા પ્રહારો કર્યા હતા. હાલમાં ક્ધઝર્વેટિવ પાર્ટીના શેડો ફોરેન સેક્રેટરી તરીકે સેવા આપી રહેલા પટેલે જણાવ્યું હતું કે, જો આપણી ન્યાય પ્રણાલી વાજબી હોત અને બહાના કે લાંબી પ્રક્રિયાઓમાં ઉલઝવાને બદલે યોગ્ય કામ કરતી હોત, તો નીરવ મોદી આજે આ દેશમાં ન હોત. મને એ વાતનો ભારે આઘાત છે કે તે હજી પણ અહીં છે. મને શંકા છે કે આ બાબત ભારત સરકારને આપણી સાથે કામ કરવા માટે ખૂબ જ નિરાશ કરે છે. કાનૂની પ્રક્રિયામાંથી પસાર થયા પછી નીરવ મોદીએ ભારતમાં જઈને જેલની સજા ભોગવવી જોઈએ, કારણ કે યુકેના પ્રત્યાર્પણ કાયદા અને સંધિઓનો વાસ્તવિક હેતુ જ આ છે.

ભારતીય નાગરિકોને પરત મોકલવા માટે ભારતને મનાવવું એ એક અત્યંત કઠિન પડકાર હતો. તેમણે કહ્યું કે, નિષ્ફળ ગયેલા આશ્રય શોધકોને ( ભારતીય પ્રવાસીઓને ) પરત સ્વીકારવા માટે ભારતને મનાવવું મારા માટે એક ’હેલ ઓફ અ ચેલેન્જ’ હતું.

મને પૂરો વિશ્વાસ છે કે આ બધું નીરવ મોદીના હાઈ-પ્રોફાઈલ કેસના કારણે થઈ રહ્યું હતું. જ્યાં સુધી ભારતે આ કેસમાં નક્કર કાર્યવાહી ન જોઈ, ત્યાં સુધી તેમની પાસે આપણા પર દબાણ બનાવવાનું એક હથિયાર હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *