અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતનો સિરીઝ પર કબજો

મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી20 મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાને સામે સાત વિકેટે જીત મેળવી સીરિઝ પર…

મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી20 મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાને સામે સાત વિકેટે જીત મેળવી સીરિઝ પર કબ્જો કર્યો છે. અફઘાનિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરતા 8 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. ફરી એકવાર ભારતીય બોલર્સ સામે અફઘાનિસ્તાનના બેટ્સમેન લાચાર જોવા મળ્યા હતા.

160 રનનો પીછો કરતા ભારતીય ટીમ તરફથી અભિષેક શર્મા અને સંજુ સેમસને પહેલી વિકેટ માટે 88 રનની પાર્ટનશીપ કરી હતી. રાશિદ ખાને અભિષેક શર્માને આઉટ કર્યો હતો. અભિષેક શર્માએ 19 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 39 રન બનાવ્યાં હતા.

ભારતીય ઓપનર સંજુ સેમસને માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારીને ટીમની જીત લગભગ નિશ્ચિત કરી દીધી હતી. સેમસન અડધી સદી ફટકાર્યા બાદ આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન રાશિદ ખાનની બોલિંગ પર તે થાપ ખાઈને વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે, ત્યારબાદ ઈશાન કિશન અને તિલક વર્માએ અણનમ રહીને ભારતને 7 વિકેટે જીત અપાવી હતી.

આ પહેલાં ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન સામે અફઘાનિસ્તાનની બેટિંગ લાઈનઅપ ખરાબ રીતે વેરવિખેર થઈ ગઈ હતી. 100 રનના આંકડા સુધી પહોંચે તે પહેલાં જ અફઘાનિસ્તાનની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. મેચની શરૂૂઆતથી જ ભારતીય બોલરોએ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું. જસપ્રીત બુમરાહે પ્રથમ જ ઓવર મેડન નાખીને અફઘાન બેટ્સમેનો પર ભારે દબાણ બનાવ્યું હતું. આ દબાણનો ફાયદો બીજા છેડેથી બોલિંગ કરી રહેલા અર્શદીપ સિંહને મળ્યો. રન બનાવવાની ઉતાવળમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ હવામાં શોટ રમી બેઠો અને રવિ બિશ્નોઈએ તેનો સરળ કેચ પકડી લીધો હતો.

ત્યારબાદ ઈબ્રાહિમ ઝાદરાન (37 રન) અને સેદિકુલ્લાહ અતલે (12 રન) સાવચેતીપૂર્વક બેટિંગ કરતાં બીજા વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી અને ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ આ પાર્ટનરશીપ લાંબો સમય ટકી નહી. રવિ બિશ્નોઈએ અતલને આઉટ કરીને આ ભાગીદારી તોડી નાખી હતી. ત્યારબાદ ઝાદરાન પણ પેવેલિયન પરત ફર્યો હતો.

ત્રીજી વિકેટ પડતાં જ અફઘાનિસ્તાનની ઈનિંગ્સ સંપૂર્ણપણે લથડી ગઈ હતી. નીતિશ કુમાર રેડ્ડીએ ગુલબદિન નાયબને (10 રન) આઉટ કર્યો હતો. જ્યારે અક્ષર પટેલે અઝમતુલ્લાહ ઓમરઝાઈને (11 રન) પોતાનો શિકાર બનાવ્યો હતો. આક્રમક અંદાજમાં બેટિંગ કરી રહેલા દરવિશ રસૂલીને (26 રન) અર્શદીપ સિંહે પોતાની બોલિંગ પર આઉટ કરીને અફઘાનિસ્તાનને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાનની ટીમ સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગઈ હતી.

શ્રેયસ અય્યરનો T-20માં સૌથી વધુ ટોસ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ
શ્રેયસ અય્યરનું નસીબ ટોસમાં જબરદસ્ત સાથ આપી રહ્યું છે.અફઘાનિસ્તાન સામે ટોસ જીત્યા બાદ તેની પ્રથમ 12 ટી-20 મેચમાં ટોસ જીતવાની સંખ્યા 11 થઈ ગઈ છે. આ સાથે શ્રેયસ અય્યર ટી-20 મેચમાં સૌથી વધુ ટોસ જીતનાર કેપ્ટન બની ગયો છે. સૌથી વધુ ટોસ જીતવાના મામલે કતારના મિર્ઝા બેગ અને ફિલિપાઇન્સના હેનરી ટાયલર બીજા સ્થાને છે. બંને કેપ્ટનોએ તેમની પ્રથમ 12 મેચમાં 10 વખત ટોસ જીત્યો હતો. હવે, અય્યર 11 જીત સાથે યાદીમાં ટોચ પર છે. શ્રેયસ અય્યરે આ મામલે ઇંગ્લેન્ડના ઇયોન મોર્ગન અને બાંગ્લાદેશના મહમુદુલ્લાહને પણ પાછળ છોડી દીધા છે. બંનેએ પોતાની પહેલી 12 T-20 મેચમાં નવ-નવ ટોસ જીત્યા હતા. શ્રેયસ અય્યર ટોસ જીતવામાં ઘણો આગળ નીકળી ગયો છે. ટેસ્ટ રમતા દેશોના કેપ્ટનોમાં પણ તેના આંકડા સૌથી વધુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *