પાકિસ્તાન ફાઇનલ રમ્યા વગર ચેમ્પિયન જાહેર થતા ભારતે સેરેમનીનો બહિષ્કાર કર્યો

  બાંગ્લાદેશના ઢાકામાં રમાયેલા મેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ફાઇનલ મુકાબલો વરસાદને કારણે રદ થયો હતો.જોકે, ફાઇનલમાં ટોસ પણ થઈ…

 

બાંગ્લાદેશના ઢાકામાં રમાયેલા મેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ફાઇનલ મુકાબલો વરસાદને કારણે રદ થયો હતો.જોકે, ફાઇનલમાં ટોસ પણ થઈ શક્યો ન હોવા છતાં ટુર્નામેન્ટના આયોજકોએ વધુ સારા નેટ રન રેટના આધારે પાકિસ્તાનને ચેમ્પિયન જાહેર કર્યું હતું.આ નિર્ણયથી નારાજ ભારતીય ટીમે ટ્રોફી સેરેમનીનો બહિષ્કાર કર્યો હતો. ભારતીય ક્રિકેટ એસોસિએશને ભવિષ્યમાં પાકિસ્તાન સામે મેચ નહીં રમવાની ચીમકી પણ આપી છે.

ઢાકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ એશિયા કપ 2026ની ફાઇનલ રમાવાની હતી.સતત વરસાદને કારણે મેદાન પર મેચ શરૂૂ થવી તો દૂર, ટોસ પણ થઈ શક્યો નહોતો. આ સ્થિતિમાં ટુર્નામેન્ટના આયોજકોએ પાકિસ્તાનનો નેટ રન રેટ ભારત કરતાં સારો હોવાના આધારે તેને વિજેતા જાહેર કર્યું હતું. જ્યારે ભારતીય ટીમને રનર અપ જાહેર કરવામાં આવી હતી. આ નિર્ણય સામે ભારતીય ખેલાડીઓ અને અધિકારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય ટીમનું કહેવું છે કે નેટ રન રેટના આધારે લીગ કે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ટીમોની રેન્કિંગ નક્કી કરી શકાય,પરંતુ વરસાદને કારણે રદ થયેલી ફાઇનલમાં ચેમ્પિયન નક્કી કરવા માટે આ માપદંડનો ઉપયોગ કરી શકાય નહીં.

ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (CABI)ના સચિવ શૈલેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ વિવાદનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભારતીય ટીમ ભવિષ્યમાં પાકિસ્તાન સામે રમશે નહીં.વિવાદ ત્યારે શરૂૂ થયો જ્યારે વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલ (WBCC)ના પ્રમુખ અને પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલના વડા સુલતાન શાહે કથિત રીતે WBCCની ટેકનિકલ કમિટીના નિર્ણયને બદલી નાખ્યો હતો. ટેકનિકલ કમિટીએ ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવા સહમતિ દર્શાવી હતી. જોકે, ત્યારબાદ મેચ રેફરીને પાકિસ્તાનને ચેમ્પિયન જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સમયે પાકિસ્તાનનો નેટ રન રેટ ભારત કરતાં સારો હતો.

ભારતીય ટીમના અધિકારીઓએ ટુર્નામેન્ટના નિયમો અને તેના અર્થઘટન સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.તેમનું કહેવું હતું કે જો વરસાદને કારણે ફાઇનલ મેચ રદ થાય તો વિજેતા નક્કી કરવા માટે નેટ રન રેટનો ઉપયોગ કરવાનો કોઈ સ્પષ્ટ નિયમ હોવો જોઈએ.જો આવો નિયમ ન હોય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવી જોઈએ. ભારતીય અધિકારીએ ફાઇનલ માટે રિઝર્વ ડે ન રાખવા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.તેમના મતે,સામાન્ય રીતે ક્રિકેટની ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવે છે. જો કોઈ કારણસર મેચ રમવી શક્ય ન બને તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવાનો વિકલ્પ હોય છે. ફાઇનલ જેવી મહત્વની મેચમાં નેટ રન રેટના આધારે ચેમ્પિયન નક્કી કરવો યોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *