શ્રોફ કે આંગડીયા પેઢીમાં ઇન્કમટેકસની રેઇડ દરમિયાન કોઇ સાહિત્ય કે ચીઠી મળે ત્યારે તેના આધારે આયકર વિભાગ સંબંધીત કરદાતાઓને ઇન્કમટેકસના એસેસમેન્ટ ઓર્ડર મોકલતું હોય છે. રાજકોટમાં 2014માં એક આવી પેઢી પર રેઇડ બાદ 336 લોકોને એસેસમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેમાંથી એક વ્યક્તિઅ હાઇકોર્ટના દ્વાર ખખડાવતા સમગ્ર એસેસમેન્ટ ઓર્ડર જ રદ કરવાનો હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આયકર વિભાગના ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા 19/09/2014 ના રોજ નેશનલ શ્રોફ આંગળીયા પેઢી ખાતે ઇન્કમટેક્સની રેડ પાડવામા આવી હતી જેના અંતે કુલ 336 લોકોના નેશનલ શ્રોફ સાથે કરેલા કરોડોના વ્યવહારો સામે આવ્યા હતા જેમા કરદાતા અમિતકુમાર રાજાણીનુ પણ નામ સામેલ હોય આયકર અધિકારી એ કરદાતા અમિતકુમાર રાજાણીના ત્રણ વર્ષોના કેસનું અસેસમેન્ટ શરૂૂ કર્યું, જેની સામે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ ફેનિલ મહેતા મારફત રીટ પીટીશન દાખલ કરવામાં આવેલ અને એડવોકેટ ફેનિલ મહેતાની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટે આયકર અધિકારી દ્વારા શરૂૂ કરવામા આવેલ ત્રણેય વર્ષો ની અસેસમેન્ટ કાર્યવાહી ને રદબાતલ જાહેર કરી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામા આવેલ આ ચુકાદાની હકારાત્મક અસર અન્ય 335 લોકોના કેસો ઉપર પડશે એવુ સેવાઈ રહ્યું છે.આ કેસમાં અરજદાર વતી ગુજરાત હાઇકોર્ટ ના જાણીતા ધારાશાસ્ત્રી ફેનિલ એચ મહેતા રોકાયેલ હતા.
