વીરપુરમાં પિતાની નજર સામે બેફામ કારે અઢી વર્ષના માસૂમ બાળકને કચડયો, મોત

રાજકોટ ગ્રામ્યના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મીનળવાવ ચોકમાં અંકિત ગેસ્ટ હાઉસ સામે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મૂળ મજૂરી…

રાજકોટ ગ્રામ્યના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મીનળવાવ ચોકમાં અંકિત ગેસ્ટ હાઉસ સામે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મૂળ મજૂરી તથા શાકભાજીનો ધંધો કરતા ફરિયાદી મેહુલભાઈ ભુરાભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે ચોકમાં બેઠા હતા. તે સમયે તેમનો અઢી વર્ષનો માસૂમ પુત્ર મીહીત નજીકમાં રમી રહ્યો હતો. દરમિયાન ઉપલેટાના રહેવાસી આરોપી દીપેશભાઈ પોતાની ટોયોટા કંપનીની ફોર વ્હીલ કાર (રજીસ્ટ્રેશન નંબરGJ-01-HS-6566) લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. કાર ચાલકે પોતાની ગાડી ગફલતભરી અને બેફીકરાઈથી ચલાવીને રમી રહેલા માસૂમ મીહીત પર ચડાવી દીધી હતી, જેના કારણે બાળક કારના ટાયર નીચે આવી ગયો હતો અને તેને શરીરે ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જાતા જ આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા માસૂમ બાળક મીહીતને તુરંત જ કારમાં જ વીરપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. ત્યાંના ડોક્ટરે પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે ગોંડલની ક્રિષ્ણા હોસ્પિટલ ખસેડવા જણાવતા પરિવારજનો બાળકને ત્યાં લઈ ગયા હતા. ત્યારબાદ વધુ તપાસ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે માસૂમ મીહીતને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બાળકના આ કરૂૂણ મોતથી શ્રમજીવી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ બનાવ અંગે મૃતક બાળકના પિતા મેહુલભાઈ રાઠવાની ફરિયાદના આધારે વીરપુર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક દીપેશભાઈ સામે કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 106(1), 281, 125(એ), 125(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. ઘટના અંગે પોલીસે આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *