ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શૈક્ષણિક કર્મચારીઓ અને અધિકારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાન્ટ-ઇન-એઇડ (અનુદાનિત) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી સીધી ભરતી દ્વારા ગુજરાત શિક્ષણ સેવા (GES) વર્ગ-1 અને વર્ગ-2 માં નિયમિત નિમણૂક મેળવનારા કર્મચારીઓને હવેથી પગાર રક્ષણનો સીધો લાભ મળવાપાત્ર રહેશે. સરકારના આ નિર્ણયથી ગ્રાન્ટેડ શાળાઓમાંથી વહીવટી કેડરમાં પસંદગી પામેલા સેંકડો અધિકારીઓ અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા સત્તાવાર ઠરાવ મુજબ ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શૈક્ષણિક કર્મચારીઓ જ્યારે GPSC કે સીધી ભરતી દ્વારા ગુજરાત શિક્ષણ સેવા (વહીવટી શાખા) વર્ગ-1 અથવા વર્ગ-2 માં નિયમિત નિમણૂક મેળવશે ત્યારે તેમનો પગાર સુરક્ષિત રાખવામાં આવશે.
સામાન્ય રીતે નવી કેડરમાં જોડાતી વખતે કર્મચારીઓનો પગાર ઘટવાની કે મૂળ પગારથી શરૂૂઆત કરવાની જે સમસ્યા રહેતી હતી તેનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું છે.આ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી સેવામાં કાર્યરત તમામ પાત્ર કર્મચારીઓને આ નિયમ હેઠળ પગાર રક્ષણનો લાભ મળવાપાત્ર રહેશે. કર્મચારીઓની પે-ફિક્સેશન પ્રક્રિયા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે.ગ્રાન્ટેડ શાળામાં બજાવેલી અગાઉની નોકરીના સમયગાળાને માત્ર ‘નોશનલ’ (કાલ્પનિક) ગણવામાં આવશે.આ નોશનલ ગણતરીના આધારે સરકારી નિયમો અનુસાર તેમનું પગાર ધોરણ (ઙફુ ઇફક્ષમ / કયદયહ) નક્કી કરીને પગાર બાંધણી કરવામાં આવશે.કર્મચારીઓને આ અગાઉના સમયગાળા માટે કોઈ આર્થિક એરિયર્સ (પાછલી રકમ) ચૂકવવાની રહેશે નહીં, પરંતુ વર્તમાન અને ભવિષ્યના પગારમાં તેમનું પગાર સ્તર જળવાઈ રહેશે, જેથી તેમને મોટો આર્થિક ફાયદો થશે.
અનુદાનિત શાળાઓમાંથી મેરિટના આધારે ઉચ્ચ સરકારી વહીવટી કેડરમાં જતા પ્રતિભાશાળી શિક્ષકો અને આચાર્યો લાંબા સમયથી પગાર રક્ષણની માંગણી કરી રહ્યા હતા.ગ્રાન્ટેડ શાળાઓમાં 10 થી 15 વર્ષ સેવા આપ્યા બાદ જ્યારે કોઈ કર્મચારી વર્ગ-1 કે 2 ના અધિકારી (જેવા કે ડીઈઓ, ડીપીઈઓ કે સમકક્ષ હોદ્દા) તરીકે પસંદ થતો હતો ત્યારે પગાર રક્ષણ ન મળવાના કારણે આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું.રાજ્ય સરકારના આ સકારાત્મક નિર્ણયથી હવે અનુભવી શિક્ષકો અને સ્ટાફ શિક્ષણ વહીવટમાં જોડાવવા માટે વધુ ઉત્સાહિત બનશે અને શિક્ષણ વિભાગના વહીવટી તંત્રને અનુભવી અધિકારીઓનો લાભ મળશે.
