જુનાગઢના ગરવા ગિરનારની પાંચ દિવસની લીલી પ્રરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે. તે પૂર્વે અત્યારથી સાધુ સંતો અને હજારો યાત્રિકોનો ભવનાથ તળેટીમાં જમાવડો થઇ ગયો છે. તળેટીમાં ઉતારા તેમજ રસોડા ધમધમવા લાગ્યા છે. પ્રકૃતિની ગોદમાં ભજન-કિર્તન અને ભોજનની હેલી જેવો માહોલ સર્જાયો છે.
વહિવટીતંત્ર દ્વારા પરિક્રમાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચાલુ વર્ષે પાણીની તંગીને કારણે 151 ટાંકીઓ મુકી પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે તા.20ની મધરાત્રે 12 વાગ્યાથી ભવનાથમાં રૂટનો ગેટ ખોલીને પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.
ભવનાથ તળેટીમાં અત્યારથી જ ભક્તિમય માહોલ જામી ગયો છે. રાજ્યભરમાંથી ભાવિકોનું આગમન શરૂૂ થતાં ’જય ગિરનારી’ના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. શ્રદ્ધાળુઓ ખુલ્લામાં ભોજન પ્રસાદ બનાવી રહ્યા છે, જ્યારે સેવાભાવી સંસ્થાઓએ અન્નક્ષેત્રો શરૂૂ કરી દીધા છે. પરિક્રમામાં વહેલા પહોંચી ગયેલા અનેક શ્રદ્ધાળુઓ તળેટીમાં ખુલ્લા આકાશ નીચે કે વૃક્ષોની છાયામાં પોતાના જૂથ સાથે પડાવ નાખી, જાતે જ ચૂલા પર ભોજન પ્રસાદ બનાવી પરિક્રમા શરૂૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
લાખો યાત્રિકોની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે તેલના ડબ્બા, અનાજ-કઠોળની ગુણીઓ, મોટા તપેલા-કડાઈ અને બળતણ માટે લાકડાનો વિશાળ જથ્થો એકત્રિત કરી લેવામાં આવ્યો છે. યાત્રિકોને પીવાના પાણીની અગવડ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીના ટેન્કરો અને લાઇટીંગ સહિતની સુવિધાઓ તૈનાત કરી દેવામાં આવી છે. સત્તાવાર પરિક્રમાને હજુ વાર હોવા છતાં ભવનાથમાં સર્જાયેલા આ ભક્તિમય વાતાવરણને જોતા આ વર્ષે રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવો અંદાજ છે. યાત્રિકોની સુરક્ષા, આરોગ્ય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર અને વિવિધ સેવા મંડળો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે, આગામી તા.19-11-2026થી તા. 24-11-2026 સુધી સમગ્ર વિસ્તારમાં વાહનોના પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓની સુવિધા માટે જાહેર અને ખાનગી એમ બે પ્રકારના પાર્કિંગ ઝોન નક્કી કરવામાં આવ્યા છે.
જાહેર પાર્કિંગના સ્થળો
નીચલા દાતાર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં.
માત્ર ટુ-વ્હિલર માટે
જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે.
ખાનગી પાર્કિંગ માટે નક્કી કરાયેલા સ્થળો: માત્ર ફોર-વ્હિલર વાહનો માટે
શશીકાંતભાઈ દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પાસે).
તમામ પ્રકારના વાહનો માટે
જીવરાજભાઈ ઓધવજીભાઈ સોલંકીની વાડી, મહાસાગર ટ્રાવેલ્સની બાજુમાં દાસભાઈની વાડી, જિલ્લા જેલ વાડી પાસેની જગ્યા, કાળુભાઈ સુખવાણીની વાડી (જમાલવાડી), પાર્થ સતીષભાઈ વિરડાની વાડી (મજેવડી-ભવનાથ તરફ જતા રસ્તે), ડોલરભાઈ કોટેચાની વાડી (જૂના દારૂૂખાનાથી મજેવડી-ભરડાવાવ તરફ જતા રસ્તે), વાઘેશ્વરી મંદિર પાર્કિંગ, લિયો ફર્ન હોટેલ સામે, પાંજરાપોળ ગૌ-શાળા શ્યામવાડી સામે (કાળવા ચોકથી ગિરનાર દરવાજા તરફ જવાના રસ્તે)
પરિક્રમાના રૂટ ઉપર સિંહ-દીપડાને દૂર રાખવા 50 ટ્રેકર તૈનાત કરાયા
ગિરનારની લીલી પરિક્રમા શરૂૂ થવાને હવે ગણતરીની કલાકો જ બાકી છે. હાલ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ખાસ કરીને પરિક્રમા રૂૂટ પર વન્યપ્રાણીઓના હુમલાઓની ઘટના ન બને તે માટે વનવિભાગ સંતર્ક બન્યુ છે. ડીસીએફ અક્ષય જોષીએ જણાવ્યુ કે, વન્યપ્રાણીઓના માનવ પર હુમલાની ઘટના ખૂબ જ વધતી જોવા મળી રહી છે. જેને ધ્યાને રાખીને આ વર્ષે વિશેષ આયોજન કરાયુ છે. જેમાં પરિક્રમાના 36 કિલોમીટરના રૂૂટ પર 50 ટ્રેકરો ફાળવવામાં આવ્યા છે. આ ટ્રેકર ફક્ત વન્યપ્રાણીઓ પરિક્રમા રૂૂટ પર આવી ન જાય તેની દેખરેખ રાખશે. ઉપરાંત આ વર્ષે છેક બનાસકાંઠાથી એલઆઇ એટલે કે, વેટેનરી તબીબની ટીમને મદદરૂૂપ થાય એ માટે બોલાવવામાં આવ્યા છે. પરિક્રમા રૂૂટ પર ગિરનારની ટ્રેકર ટીમ સાથે સાસણ, અમરાપુર, માંગરોળ, સક્કરબાગની ટીમ તૈનાત રહેશે. આ વર્ષે વન્યપ્રાણીઓના હુમલાઓ ન બને એ માટે વનવિભાગ દ્વારા તકેદારીના ભાગરૂૂપે વિશેષ આયોજન કરાયુ છે. રૂૂટ પર કોઇ પણ આકસ્મિક સહાયની જરૂૂર પડે તો 0285 2633711, 0285 2651763, 0285 2633700 હેલ્પ લાઇન નંબરનો સંપર્ક કરવા વનવિભાગ દ્વારા અનુરોધ કરાયો છે. સિંહ રૂૂટ પર આવતો જણાય તો સિંહ જેનો શિકાર કરે તે સાબર, ચિતલ સહિતના શિકારના અવાજો ટ્રેકર કાઢીને સિંહને રૂૂટ પરથી ડાયવર્ટ કરાશે. દિપડો ચંચળ હોવાથી સિંહની જેમ ડાયવર્ટ કરવો અઘરો છે પરંતુ દિપડો વધારે પ્રકાશ અને માણસોના ટોળા હોવાથી એ વિસ્તારમાં અવર-જવર કરતો નથી અને દિપડાની અવર-જવર જણાતા જ જંગલમાં પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે તેનાથી તુરંત ટ્રેકર, વેટેનરી તબીબની ટીમ સાથે રહીને પકડી લેશે.
