સુરેન્દ્રનગરમાં ચા ન મંગાવી તો મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી

સુરેન્દ્રનગરના નવા જંકશન રેલવે સ્ટેશન પાસે ચા ન મંગાવવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ લોહિયાળ રૂૂપ ધારણ કર્યું છે. એક યુવકની ગળા તથા માથાના ભાગે…

સુરેન્દ્રનગરના નવા જંકશન રેલવે સ્ટેશન પાસે ચા ન મંગાવવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ લોહિયાળ રૂૂપ ધારણ કર્યું છે. એક યુવકની ગળા તથા માથાના ભાગે છરીના ઘા ઝીંકીને ક્રૂર હત્યા કરવામાં આવી છે. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલ લઈ જવાતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ અનુસાર મૃતક જાવેદ તેના મિત્રો સાથે નવા જંકશન રેલવે સ્ટેશનના ગેટ પાસે આવેલી એક ચાની દુકાને ગયો હતો. તે સમયે તેની સાથે આરોપી સગીર અને અન્ય મિત્રો પણ હાજર હતા. ત્યાં તમામ મિત્રો માટે ચા મંગાવવામાં આવી હતી પરંતુ આરોપી સગીર માટે ચા ન મંગાવતા તેને આ બાબતનું ભારે ખોટું લાગી આવ્યું હતું. આ સામાન્ય મનદુ:ખને કારણે બંને વચ્ચે આંતરિક તણાવ ઊભો થયો હતો.

ઘટનાના બે દિવસ બાદ જાવેદે આરોપી સગીરને ફોન કરીને પાણીના ટાંકા પાસે બોલાવ્યો હતો. જાવેદ અને આરોપી વચ્ચે ચા બાબતના જૂના મનદુ:ખને લઈને ફરીથી ઉગ્ર બોલાચાલી શરૂૂ થઈ હતી. ઝઘડો વધતાં જ સગીરે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી જાવેદના ગળા અને માથાના ભાગે બે ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં જાવેદ જમીન પર ઢળી પડતાં હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

બનાવ બની જતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા જાવેદને સારવાર માટે સુરેન્દ્રનગરની ટી.બી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના તબીબોએ તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો. જાવેદના ભાઈ સોહિલ ઉર્ફે સાહીલને મિત્ર મારફતે જાણ થતાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેના ગળા અને માથા પર ઊંડા ઘા જોવા મળ્યા હતા.

આ અંગે મૃતકના પરિજનો અને મિત્રની આપવીતીના આધારે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આ ચકચારી હત્યા કેસની આગળની તપાસ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એમ. સંગાડા દ્વારા ચલાવવામાં આવી રહી છે. પોલીસે નાસી છૂટેલા સગીર આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં શોધખોળ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *