સુરતમાં 12 વર્ષના કિશોરને દીક્ષા આપવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ પ્રકારના પહેલા કેસમાં ઈન્દોરમાં રહેતા કિશોરના પિતાએ પોતાના વકીલ મારફત દીકરાની દીક્ષા રોકવા માટે સુરત કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન બાળકના માતા-પિતા બંને કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યાં હતા. 12 વર્ષીય દીકરાનાં માતા-પિતા બંને અલગ રહે છે અને છૂટાછેડા માટે કોર્ટમાં તેમનો કેસ ચાલી રહ્યો છે. પુત્ર તેની માતા સાથે સુરતમાં રહે છે, જ્યારે પિતા ઈન્દોરમાં રહે છે. બંને પક્ષોની સુનાવણીના અંતે કોર્ટે આ દીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવા મનાઈ હુકમ ફરમાવ્યો છે.
સુરતમાં 12 વર્ષનો કિશોર બુધવારે દીક્ષા લે એ પહેલાં જ દીક્ષા રોકવા માટે સુરત કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી બાળકના પિતા દ્વારા જ કરવામાં આવી હતી. બાળકનાં માતા-પિતાના વર્ષ 2008માં લગ્ન થયાં હતાં, પરંતુ હાલ બંને અલગ રહે છે. જે કિશોર દીક્ષા લેવાનો છે તે તેની માતા સાથે રહે છે, જ્યારે પિતા ઈન્દોરમાં રહે છે. 12 વર્ષીય કિશોર દીક્ષા લઈ રહ્યો હોવાના ડિજિટલ આમંત્રણ વાયરલ થયાં હતાં. ત્યારબાદ ઈન્દોરમાં રહેતા તેના પિતાએ સુરતમાં વકીલ નરેશ ગોહિલ મારફત સુરત કોર્ટમાં તેના પુત્રની દીક્ષા રોકવા માગ કરતી અરજી કરી છે, જેની સુનાવણી મંગળવારે સુરત કોર્ટમાં ચાલી હતી. સુનાવણીના અંતે કોટે બાળકની દીક્ષાના કાર્યક્રમ ઉપર રોક લગાવતો હુકમ કર્યો હતો.
