સાવરકુંડલામાંથી બોર્ડની પરિક્ષાને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પરિક્ષામાં વિદ્યાર્થિનીની જગ્યાએ ડમી વિદ્યાર્થિની પરિક્ષા આપવા બેઠી હતી. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાની જે.વી મોદી હાઈસ્કૂલમાં ડમી વિધાર્થિની ઝડપાઈ હતી. ધોરણ 10ના પેપરમાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપવા આવતા ભાંડો ફૂટ્યો બંને બહેનો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સાવરકુંડલા જે.વી. મોદી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10નું બોર્ડ નું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. ગઈકાલે ગણિતનું પેપર હતું તે દરમિયાન શાળાના બ્લોકમાં પાંચેક જેટલી છાત્રાઓ મોઢા ઉપર માસ્ક પહેરીને બેસી હોવાથી સુપરવાઇઝરને શંકા ગઈ. જેથી પ્રિન્સિપાલને બોલાવી છાત્રાઓની રસીદ ચેક કરતા એક છાત્રાની જગ્યાએ અન્ય છાત્રા બેસી હોવાનું સામે આવતા ડમી વિધાર્થિનીનો ભાંડો ફૂટી ગયો હતો. ડમી વિધાર્થિનીની પૂછપરછ કરતા તેની નાની બહેનને ટાઈફોડ થતા તે ઘરે હોવાનું જણાવ્યું હતું, જેથી તેણે બહેનની જગ્યાએ પરીક્ષા આપવા બેસી હોવાનો પ્રિન્સિપલ સમક્ષ ખુલાસો કર્યો હતો.
પ્રિન્સિપાલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ડમી વિદ્યાર્થી અને મૂળ પરીક્ષા આપનાર વિદ્યાર્થીની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના વાલીઓને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓ પાસ ના પાસ થતા હોય છે નાપાસ થયા પછી પણ પરીક્ષા આપવાના ઘણા બધા ચાન્સ હોય છે, ત્યારે દીકરા દીકરીઓને પાસ કરાવવા માટે ડમી વિદ્યાર્થી બેસાડવા ન જોઈએ અને કાયદાના સંઘર્ષમાં ન આવવું જોઈએ. જેના પ્રત્યાઘાતો લાંબા સમય સુધી ચાલતા હોય છે તેવી અમરેલી જિલ્લાની પોલીસે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના વાલીઓને અપીલ કરી છે.