વઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધો

દવા પીને મરી જજે, ગામમાં મોઢુ બતાવતો નહીં કહેતા ઝેરી દવા પી લીધી, લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં એક યુવકે…

દવા પીને મરી જજે, ગામમાં મોઢુ બતાવતો નહીં કહેતા ઝેરી દવા પી લીધી, લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં એક યુવકે ગામના ઉપસરપંચના માનસિક ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારજનોએ ઉપસરપંચ સામે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ પરિવારજનોએ યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક જયેશ ગોવિંદભાઈ મેણીયાએ ભૂલથી એક ડેટિંગ એપ્લિકેશન પર કોઈ કોમલ આઈડીને ગામના ઉપસરપંચ રાજુભાઈ કાળુભાઈ ખાચરનો મોબાઈલ નંબર આપી દીધો હતો.
આ બાબતથી ઉશ્કેરાઈને ઉપસરપંચ રાજુભાઈએ જયેશને ગામના ઝાંપે માર માર્યો હતો. ત્યારબાદ રાજુભાઈએ જયેશને બાઈક પર બેસાડી ગામના ચોકમાં લઈ જઈ જાહેરમાં માફી મંગાવી તેનો વીડિયો ઉતાર્યો હતો અને ફરી માર માર્યો હતો. રાજુભાઈએ જયેશને ફોનમાંથી બધું ડિલીટ કરવા અને કોઈને ન કહેવા ધમકી આપી હતી, નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપસરપંચ રાજુભાઈએ જયેશને એમ પણ કહ્યું હતું કે, “મારો મોબાઈલ નંબર કોઈને કેમ આપે છે? કચ્છવાળા કોમલબેન મારી સાથે બોલાચાલી કરે છે, જેથી તું દવા પીને મરી જજે અને ગામમાં દેખાતો નહીં.” આ અપમાન અને ધમકીથી લાગી આવતા જયેશ મેણીયાએ પોતાના ઘરે બાથરૂૂમમાં ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી.

તેને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટીબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમસ્ત કોળી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને ન્યાયની માગ કરી હતી. તેમજ આરોપી પકડાયા બાદ જ મૃતદેહ સ્વીકારાશે તેવુ જણાવ્યુ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલ ખસેડી પરિવારજનોને સોંપ્યો હતો. મૃતકના પિતાએ ઉપસરપંચ રાજુભાઈ કાળુભાઈ ખાચર સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવકને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *