જસદણના સાણથલીમાં ચાર વ્યાજખોરોએ વેપારીની જમીન બારોબાર વેચી નાખી

સાત લાખનું પઠાણી વ્યાજ વસુલવા રૂા.1.50 લાખમાં જમીનનો દસ્તાવેજ કરાવી લીધો જસદણના આટકોટના સાણથલી ગામે ગેરકાયદે વ્યાજબટાવ, બળજબરીથી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લેવા અને છેતરપિંડી…

સાત લાખનું પઠાણી વ્યાજ વસુલવા રૂા.1.50 લાખમાં જમીનનો દસ્તાવેજ કરાવી લીધો

જસદણના આટકોટના સાણથલી ગામે ગેરકાયદે વ્યાજબટાવ, બળજબરીથી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લેવા અને છેતરપિંડી આચરવા બદલ ચાર શખસો સામે ગુનો નોંધાયો છે. પીડિત ખેડૂતે વ્યાજના વિષચક્ર અને આરોપીઓની ધાકધમકીઓ સામે હિમ્મત દાખવી અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો મુજબ સાણથલીના ગીરધરભાઈ જીવરાજભાઈ પાધરા (ઉંમર વર્ષ 60)એ નોંધાવેલી ફરિયાદમાં ભગુભાઇ વલકુભાઇ જેબલીયા, પ્રતાપભાઇ ભગુભાઇ જેબલીયા , રાજુભાઇ ભગુભાઇ જેબલીયા અને ભરતભાઇ વીસાભાઇ સાપરાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2017માં તેમના પુત્રના ગેરેજના ધંધામાં નુકસાન આવતા રૂૂપિયા 1.5 લાખની જરૂૂરિયાત ઊભી થઈ હતી. ગામના જ વ્યાજવટાવનો ધંધો કરતા ભગુભાઈ વલકુભાઈ જેબલીયા અને તેમના પુત્રો પ્રતાપભાઈ તથા રાજુભાઈ પાસે આ રકમ માસિક 3 ટકાના ઊંચા વ્યાજે લેવામાં આવી હતી. આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે સમયસર વ્યાજ ભરી ન શકાતાં, આરોપીઓએ પેનલ્ટી અને વ્યાજની ઉઘરાણીના નામે માનસિક દબાણ શરૂૂ કર્યું હતું.

વ્યાજની રકમ વસૂલવાના બહાને આરોપીઓએ ફરિયાદી અને તેમના પરિવારને જીવથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ડરના માર્યા ગીરધરભાઈ પાસેથી જસદણ મામલતદાર કચેરી ખાતે જઈને તેમની માલિકીની સાણથલી ગામની રેવન્યુ સર્વે નંબર 345 પૈકી 1 ની જમીનનો વેચાણ દસ્તાવેજ સિક્યુરિટી પેટે બળજબરીથી કરાવી લીધો હતો. તે સમયે આરોપીઓએ જમીનની કોઈ વેચાણ કિંમત ચૂકવી ન હતી.

વર્ષ 2019માં ગીરધરભાઈએ જમીન છોડાવવા હિસાબ માગતા આરોપીઓએ રૂૂ. 7 લાખનો હિસાબ બતાવ્યો હતો. રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા આરોપી પ્રતાપભાઈએ જસદણના ભરતભાઈ વીસાભાઈ સાપરા સાથે સંપર્ક કરાવ્યો હતો. ભરતભાઈ સાપરાએ જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લઈ રૂૂ. 7 લાખ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ દસ્તાવેજ થયા બાદ ગીરધરભાઈને માત્ર રૂૂ. 1.5 લાખ આપી બાકીની રકમ ચૂકવી ન હતી. બાદમાં ભરતભાઈ સાપરાએ આ જમીન ફરિયાદીની મંજૂરી વગર બારોબાર પ્રતાપભાઈ જેબલીયાને વેચાણ દસ્તાવેજથી ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત આચર્યો હતો.

આરોપીઓ સામે પૂર્વ આયોજિત કાવતરું, છેતરપિંડી, વ્યાજખોરી અને ધાકધમકી અંગે પોલીસે ગુનો દાખલ કરી આટકોટ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ. રાઠોડ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *