શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં નેપાળી યુવાને પોતાના ગામના એક શખ્સ પાસેથી લીધેલા રૂપિયા એક લાખની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી હતી. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં ગણેશ જોગીભાઈ ભુલ નામનો 34 વર્ષનો નેપાળી યુવાન સાંજના પાંચેક વાગ્યના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે પોતાની જાતે પેટમાં છરી હુલાવી દીધી હતી. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પ્રાથમિક તપાસમાં ગણેશ ભુલે પોતાના જ ગામના એક શખ્સ પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતાં. જે વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારીયા રોડ પર રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં જયદીપ રમેશભાઈ પીત્રોડા (ઉ.33)એ ગોંડલ ચોકડી પાસે મધરાત્રે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં જયદીપ પિત્રોડાએ કાલાવડમાં તેના મામાના દિકરા સાથે ભાગીદારીમાં હોટલ ચાલુ કરી હતી. જે ભાગીદારીના રૂપિયા 1.8 લાખ મામાના દીકરાએ માંગતાં જયદીપ પિત્રોડાએ ઝેરી પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
