જામનગરથી પરિણીતાના માવતર સમજાવવા આવતાં તેમને પણ માર માર્યો
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિ સહિતના સાસરીયાઓએ ખોટી શંકા કરી માર મારતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સાસરીયાઓેએ જામનગરથી આવેલા પરિણીતાના માવતરને પણ માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં સનરાઈઝ સ્કૂલ પાસે શ્યામ કૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતી સાનિયા સલમાનભાઈ શેખ (ઉ.20) નામની પરિણીતા ગઈકાલે સાંજે તેના ઘરે હતી ત્યારે તેના પતિ સલમાન, સસરા સુલેમાન અને સાસુએ ઢીકાપાટુનો માર મારતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં તેણીના લગ્ન બે વર્ષ પહેલા થયા છે. પતિ કંઈ કામ ધંધો કરતો ન હોય સસરા ખોટી શંકાઓ કરી વિડિયો ઉતારતાં હોય જે બાબતે ગઈકાલે જામનગરથી તેના પિતા સલીમભાઈ અને માતા હુસેનાબેન સમજાવવા આવતાં તેમને પણ સાસરીયાઓએ માર માર્યો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
