ચોટીલાના લાખચોકીયા ગામે ખેત મજૂરી અર્થે આવેલી પરિણીતાને પતિએ કામ મુદ્દે ઠપકો આપ્યો હતો. પતિના ઠપકાથી માઠુ લાગી આવતા પત્નીએ ઝેરી પી જીવન ટૂંકાવી લીધુ હતું. પરિણીતાના મોતથી બે બાળકોએ માતાની મમતા ગુમાવતા શ્રમિક પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના લાખચોકીયા ગામે પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલી અજમાબેન લુલાભાઇ ચૌહાણ નામની 27 વર્ષની પરિણીતાએ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયા પરિણીતાનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક અજમાબેન મુળ મધ્યપ્રદેશની વતની હતી અને તેણીને સંતાનમાં બે પુત્ર છે. પતિએ કામ બાબતે ઠપકો આપતા અજમાબેનને માઠુ લાગી આવતા ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
