રંગીલા સોસાયટીમાં પરિણીતાએ દારૂ પીવાની ના પાડતાં પતિ અને સાસુ-સસરાએ લાકડાથી ફટકારી
શહેરની ભાગોળે આવેલા કણકોટમાં પતિ અને સસરા સહિતના શખ્સોએ પરિણીતા પાસે છુટાછેડાના અઢી લાખ માંગી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામે રહેતી કાજલબેન વિજયભાઈ મંડુરીયા નામની 23 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ચારેક વાગ્યાના અરસામાં પતિ વિજય અને સસરા બેનાભાઈ સહિતના શખ્સોએ ઝઘડો કરી પથ્થરમારો કર્યો હતો. જે પથ્થરમારામાં કાલજબેન મંડુરીયાને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં કાલજબેન મંડુરીયાના સાત મહિના પહેલા પતિ વિજય મંડુરીયા સાથે છુટાછેડા થયા હતાં. જે છુટાછેડાના રૂપિયા અઢી લાખ વિજય મંડુરીયાએ માંગતાં કાજલબેન મંડુરીયાએ અત્યારે મારી પાસે રૂપિયા નથી બે મહિના પછી આપીશ. તેવું કહેતાં વિજય મંડુરીયા સહિતના શખ્સોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં નવા ગામમાં આવેલી રંગીલા સોસાયટીમાં રહેતી નંદનીબેન દિપકભાઈ જાદવ નામની 20 વર્ષની પરિણીતાએ દારૂની કુટેવ ધરાવતાં પતિ અને સસરાને દારૂ પીવાની ના પાડતાં પતિ દિપકભાઈ જાદવ, સસરા નારણભાઈ જાદવ અને સાસુ સોનલબેને ઝઘડો કરી લાકડા વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
