રાજકોટ જિલ્લામાં તૈયારીની સમીક્ષા માટે દોડી આવેલા પ્રભારી સચિવ

સરહદે તણાવ વચ્ચે દવા, મેડિકલ સ્ટાફ, ડોકટરો, પેટ્રોલ-ડીઝલ, કાયદો વ્યવસ્થાની વિગતો મેળવી સંભવિત વાવાઝોડા, અતિવૃષ્ટિ અંગે પણ ચર્ચા, કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરી રાજકોટ: ભારત…

સરહદે તણાવ વચ્ચે દવા, મેડિકલ સ્ટાફ, ડોકટરો, પેટ્રોલ-ડીઝલ, કાયદો વ્યવસ્થાની વિગતો મેળવી

સંભવિત વાવાઝોડા, અતિવૃષ્ટિ અંગે પણ ચર્ચા, કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરી

રાજકોટ: ભારત સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર મોટી કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ મિસાઈલ હુમલો કરીને 100થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ઘટનાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. રાજ્ય સરકારે ભારત-પાકિસ્તાન સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. તમામ સરહદી જિલ્લાઓને સાબદા કરવામાં આવ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.દરમિયાન, ગુજરાત સરકારે તમામ જિલ્લાઓમાં જિલ્લાના પ્રભારી સચિવોને મોકલીને પરિસ્થિતિની સમીક્ષા કરવા અને યુદ્ધની સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે.

આ સંદર્ભે, આજે રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ અને રાજકોટના પૂર્વ કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા બપોરે 12:00 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે શહેર અને જિલ્લામાં હાલ કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું કે ઘણા સમયથી તેઓ રાજકોટ આવ્યા ન હોવાથી સમીક્ષા કરવા માટે આ બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં રાજકોટ શહેર અને જિલ્લામાં દવાઓનો સ્ટોક, આરોગ્ય સેવાઓની તૈયારી, મેડિકલ સ્ટાફ, ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો તેમજ શહેર અને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત, ડો. ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને જિલ્લામાં ચોમાસા પહેલાની કામગીરી અને સંભવિત વાવાઝોડા કે અતિવૃષ્ટિની સ્થિતિમાં લેવાના પગલાં અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. તેઓ તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી આ અંગેની વિગતો મેળવશે.

ડો. રાહુલ ગુપ્તા કચેરી પહોંચ્યા ત્યારે કલેક્ટર પ્રભાવ જોશી, ટ્રેડિશનલ કલેક્ટર આલોક ગૌતમ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહત્વની બેઠક બપોરે 12:30 વાગ્યે શરૂૂ થઈ છે અને તે બપોરે 3:00 વાગ્યા સુધી ચાલી હતી.
આ ઉપરાંત, રાજકોટ જિલ્લા કલેક્ટરે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી કર્મચારીઓને રજા નહીં મૂકવાનો આદેશ કર્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશનો તમામ સરકારી કર્મચારીઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *