નાનામવા મેઈન રોડ પર સિલ્વર હાઈટ્સ સામે ખાનગી બેન્કના એટીએમ સેન્ટર બહાર શંકાસ્પદ હાલતમાં ચક્કર લગાવતા આશિષસિંહ કૃષ્ણપ્રતાપસિંહ ચૌહાણ (ઉ.વ.27, રહે.વિષ્ણુનગર-2, ઉમિયા ચોક)ને માલવિયાનગર પોલીસે ઝડપી લઈને એટીએમ ચીટીંગના બે ગુનાના ભેદ ઉકેલ્યા હતા.
પોલીસ પૂછપરછમાં ખુલ્યું કે,15 દિવસ પહેલા મવડી રોડ પર ઇન્દ્રપ્રસ્થ હોલ પાસે ઉજૂજીવન બેન્કના એટીએમ મશીનમાં પૈસા નીકળે એ જગ્યાએ પ્લાસ્ટિકની પટ્ટી લગાવીને એક ગ્રાહકના રૂૂા.1500 તફડાવ્યા હતા. જ્યારે ગત એપ્રિલ મહિનામાં બાલાજી હોલ પાસે એક વૃધ્ધને મદદના બહાને એટીએમ કાર્ડ બદલાવીને રૂૂા.2.50 લાખ તફડાવ્યા હતા.આ પહેલા વર્ષ 2021માં કોટડા સાંગાણી વિસ્તારમાં પણ એટીએમ ચીટીંગ કર્યું હતું.
જ્યારે ગત જાન્યુઆરી મહિનામાં રૈયા ચોકડી પાસે મિત્ર કુલદિપસીંગ સાથે મળીને એટીએમમાં પટ્ટી લગાડી રૂૂા. 15 હજાર તફડાવ્યા હતા. વધુમાં વર્ષ 2019-20માં દિલ્હીમાં મિત્ર કુલદિપસીંગ અને સંજય યાદવ સાથે મળીને 8 એટીએમ તોડી રૂૂા.7 લાખની ચોરી કરી હતી. જ્યારે વર્ષ 2021 થી 2025 દરમિયાન દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 25 જેટલા એટીએમ મશીનમાં પટ્ટી લગાડીને ગ્રાહકોના રૂૂા.50 હજાર તફડાવ્યા હતા.
આ કામગીરી માલવીયા પોલીસના પીઆઇ જે.આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ.જે. ધાધલ, એ.એસ.આઇ. કેતનભાઇ શેખલીયા, હિરેનભાઇ પરમાર, અજયભાઈ વિક્રમા, ચિત્રકેતુસિંહ ઝાલા,ભાવેશભાઇ ગઢવી, મનીષભાઇ સોઢીયા,જયદિપસિંહ ભટ્ટી અને અમરદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.
આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપી મોટી ઉમરના વ્યક્તિને જ એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા આવે તેને મદદ કરવાના બહાને તેનું એટીએમ કાર્ડ લઈ તેને નિશાન બનાવતો હતો. અને બીજી રીતે તે એટીએમ મશીનમાં જ્યાંથી પૈસા નિકળે છે તે જગ્યાએ પ્લાસ્ટિકની પટ્ટી લગાવી ગ્રાહકના પૈસાની તફડંચી કરતો હતો.
