અમદાવાદમાં નવા રસ્તાઓના નિર્માણ અને રિસર્ફેસિંગના કામમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરમાં હાથ ધરવામાં આવનારા રોડવર્કના બંને છેડે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત રહેશે. આ તકતી પર રોડની વિગતો સાથે કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર, કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા, ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ સહિતની મહત્વની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવાની રહેશે.
AMCની રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અગાઉ રોડના કામ અંગેની વિગતો દર્શાવતા બોર્ડ લગાવવામાં આવતા હતા, પરંતુ આવા બોર્ડ સમય જતાં ઝાંખા કે નષ્ટ થઈ જતાં નાગરિકો માટે માહિતી ઉપલબ્ધ રહેતી નહોતી. હવે પથ્થરની તકતી લાંબા સમય સુધી ટકી રહે તેવો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે. તેનો સીધો લાભ એ થશે કે કોઈ રોડનું કામ કોણે કર્યું, તેની સમયમર્યાદા શું હતી અને તેની જવાબદારી કયા કોન્ટ્રાક્ટરની છે તે માહિતી રસ્તા પર જ જાહેર રહેશે. આ વ્યવસ્થા માત્ર માહિતી પૂરતી નથી, પરંતુ જાહેર નાણાંથી થતા રોડકામમાં જવાબદારી નક્કી કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું બની શકે છે.
AMCના નવા નિયમમાં સૌથી મહત્વની બાબત એ છે કે રોડકામની પહેલી બિલ ચુકવણી પહેલાં જ બંને છેડે પથ્થરની તકતી સ્થાપિત કરવી પડશે. તકતી લગાવ્યા બાદ તેના ફોટોગ્રાફ્સ AMCની વેબસાઇટ પર અપલોડ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અંતિમ ચુકવણી કરતાં પહેલાં કામની ફોટો અને વીડિયો મારફતે ચકાસણી કરવામાં આવશે, જેથી કાગળ પર કામ પૂર્ણ બતાવી દેવાની શક્યતા સામે વધુ નિયંત્રણ આવી શકે. તકતીમાં રોડનું નામ, સંબંધિત ઝોન અને વોર્ડની વિગતો ઉપરાંત કોન્ટ્રાક્ટરનું નામ અને ફોન નંબર દર્શાવવાનો રહેશે. સાથે જ કામ શરૂૂ થવાની અને પૂર્ણ થવાની તારીખ, ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ અને AMCનો ટોલ ફ્રી નંબર પણ દર્શાવવાનો રહેશે. જો કામ દરમિયાન તેની સમયમર્યાદામાં ફેરફાર થાય તો જૂની માહિતી યથાવત રાખવાને બદલે સુધારેલી માહિતી સાથે નવી તકતી લગાવવાની રહેશે. ગેરેન્ટી અથવા ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ દરમિયાન તકતીની જાળવણીની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની રહેશે.
નવા નિયમથી અમદાવાદના નાગરિકોને સૌથી સીધો લાભ માહિતીના અધિકારના વ્યવહારુ ઉપયોગમાં મળી શકે છે. રસ્તા પર જ લાગેલી તકતી પરથી કોઈપણ નાગરિક રોડનું નામ, ઝોન, વોર્ડ, કોન્ટ્રાક્ટર, સમયમર્યાદા અને અન્ય વિગતો જાણી શકશે. કામમાં વિલંબ કે ગુણવત્તા અંગે પ્રશ્ન ઊભો થાય ત્યારે સંબંધિત માહિતીના આધારે ફરિયાદ અથવા રજૂઆત કરવી પણ સરળ બનશે. આ નિર્ણયનો સૌથી મોટો પડકાર તેનો કડક અમલ રહેશે. તકતી સમયસર લગાડવામાં આવે, તેના પરની વિગતો સાચી હોય, ફોટો-વિડિયો વેરિફિકેશન ખરેખર થાય અને નિયમનું ઉલ્લંઘન કરનાર સામે બિલ રોકવા સહિતની કાર્યવાહી કરવામાં આવે તો જ આ પહેલ લાંબા ગાળે અસરકારક સાબિત થશે.
