શહેરના સંતકબીર રોડ પર ઈમિટેશનના વેપારીએ સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવને લઈને પરિવાર તેમજ વેપારી આલમમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
વધુ વિગતો મુજબ,રણછોડનગર વેકરીયા મેઈન રોડ કિસાન નોવેલ્ટીની સામે રહેતા અને સંતકબીર રોડ પર શિગાર સેલ્સ નામે શો રૂૂમ ધરાવતા 60 વર્ષના દેવરાજભાઈ ખોડાભાઈ ગઢિયા સાયપર ગામે હોય દરમિયાન રાત્રીના કોઈપણ સમયે ઇલેક્ટ્રિક વાયર એંગલમાં બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. સવારે દેવરાજભાઈનો પરિવાર તેઓને ફોન કરી રહ્યો હોય લાંબો સમય સુધી ફોન બંધ આવતા દેવરાજભાઈનો પુત્ર અંકિત રૂૂબરૂૂ ફાર્મ હાઉસ ખાતે જઈને તપાસ કરતાં પિતા ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા.
બનાવ અંગે જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રશાંત રાઠોડ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક દેવરાજભાઈ ઇમિટેશન એસોસિએશનના સભ્ય હતા તેમજ એક નામાંકિત વેપારી તરીકેની તેમની છાપ હતી.સમાજ લક્ષી કે સેવા કાર્યોમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. તેઓના અપમૃત્યુ વિશે જાણ થતા પૂર્વે મંત્રી અરવિદ રૈયાણી, ભાજપના આગેવાનો તેમજ સાથી વેપારીઓ દોડી ગયા હતા. મૃતક દેવરાજભાઈ મૂળ સાયપર ગામના વતની હતા તેઓ અવારનવાર અહીં આવેલા ફાર્મ હાઉસમાં રાત્રી રોકાણ કરતા હતા.તેઓને સંતાનમાં એક પુત્ર અંકિત છે.આપઘાતના કારણ અંગે પરિવાર પણ અજાણ છે. તેમજ દેવરાજભાઈનો મોબાઈલ પણ હાલ પોલીસને મળ્યો ન હતો ઘટના અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.
