રાજસ્થાનના પાલી જિલ્લાના સોજતમાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહી એક યુવકના લગ્ન ન થવાને કારણે તેણે તાંત્રિકના કહેવાથી 11 વર્ષના છોકરાની બલી આપી હતી. આરોપીએ બાળકની ક્રૂરતાથી હત્યા કરી. લાશ પાસે તૂટેલું માટલુ અને તંત્ર-મંત્રનો સામાન પણ મળી આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પોસ્ટમોર્ટમ કર્યા પછી બાળકની લાશ પરિવારને સોંપી દીધી છે.
શિવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બાળક બપોરે મદરેસામાંથી અભ્યાસ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં ગામના એક યુવકે બાળકને લલચાવીને જંગલમાં આવેલા તળાવ તરફ લઈ ગયો. ત્યાં, તેણે તેના હાથ-પગ બાંધી દીધા. તે ચીસો પાડી ના શકે એટલે તેના મોંમાં કપડું બાંધ્યું હતુ, તંત્ર-મંત્ર કરી અને ધારદાર હથિયારથી બેરહેમીથી બાળકનું ગળુ કાપી નાખ્યું હતું. ત્યાર બાદ યુવક પાછો ગામમાં જતો રહ્યો હતો.
આરોપી એટલો ચાલાક હતો કે હત્યા પછી તે બાળકના ઘરે ગયો અને તેના દાદાને કહ્યું કે કોઈએ તેના પૌત્રની હત્યા કરી છે અને તેનો મૃતદેહ તળાવના કિનારે પડ્યો છે. ત્યારબાદ પરિવાર ઉતાવળમાં જંગલમાં દોડી ગયો. પરિવારે પોલીસને જણાવ્યું કે ગામના એક યુવકે તેમને જાણ કરી હતી. જ્યારે પોલીસ તેને શોધવા ગઈ, ત્યારે તે ઘરેથી ગુમ હતો અને આખરે આજે સવારે તેને પકડી લેવામાં આવ્યો છે.
પોલીસે આરોપીને બાળકની હત્યાનું કારણ પૂછ્યું ત્યારે તેણે જે કહ્યું તે સાંભળીને પોલીસ દંગ રહી ગયા. આરોપીએ જણાવ્યું કે લાંબા સમયથી તેના લગ્ન થતા ન હતાં. જેને લઇ તે અલગ અલગ તાંત્રિક અને ભુવાઓ જોડે જવા લાગ્યો હતો. દરમિયાન એક તાંત્રિકે તેને કહ્યું કે જો તે માનવ બલિ ચઢાવશે તો તે લગ્ન થઇ જશે. આનાથી તેનું મન ઉત્તેજિત થયું અને તેણે બાળકનું બલિ ચઢાવવા માટે રેકી કરવાનું શરૂૂ કર્યું. આખરે ગઈકાલે તેણે બાળકનું અપહરણ કર્યું અને તેની યોજનામાં સફળ થયો. પોલીસ તેને માનવ બલિ ચઢાવવા કહેનાર તાંત્રિકને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
