જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા સામે સંતોમાં નારાજગી, બે શખ્સો સામે ગુનો નોંધાયો
જૂનાગઢના ગિરનાર પર્વત પર શિખરોની માલિકી અને ધાર્મિક અતિક્રમણને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. ગિરનારના ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ભવનાથ પોલીસ મથકે બે અજાણ્યા શખસ સામે ગુનો નોંધાયો છે. આ મામલે નાથ સંપ્રદાયના સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સનાતન ધર્મના અગ્રણી સંતોએ આ કૃત્યને સનાતન પરંપરા પર તરાપ ગણાવી છે. આ ઘટનામાં બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવામાં આવ્યો છે.
શ્રીનાથજીના દલિચાના મહંત પીર યોગી સોમનાથજી ગુરુશ્રી રાજનાથજી (ઉં.વ. 55) દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, આશરે 4 દિવસ પહેલાં ગિરનાર પર્વત પર નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા ગણાતી ઓઘડનાથ ટૂંક (ચોથી ટૂંક) પર બે અજાણ્યા શખસે સફેદ કપડાં પહેરીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ શખસો નીચેથી જૈન સંપ્રદાયનો ઝંડો ચોરી-છુપીથી લઈ ગયા હતા અને ઓઘડ શિખર પર જઈને ફરકાવ્યો હતો. આ શખસોએ ત્યાં સૂત્રોચ્ચાર કરીને નાથ સંપ્રદાય અને જૈન સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા ફોટા અને વીડિયોના આધારે પોલીસે આ શખસની શોધખોળ હાથ ધરી છે.
ઓઘડ શિખર પર થયેલા આ વિવાદ બાદ જૂનાગઢના અગ્રણી સંત યોગી શેરનાથજી બાપુનું આકરું નિવેદન સામે આવ્યું છે. તેમણે જૈન સમાજના આ કૃત્યની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે ધર્મ પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે, પરંતુ પોતાના ધર્મની શ્રેષ્ઠતા સાબિત કરવા બીજાના ધાર્મિક સ્થાન પર જઈને ઉગ્રતા બતાવવી એ મોટામાં મોટો દોષ છે.
આગામી સમયમાં જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મિની કુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાના છે. આવા સમયે ગિરનારના શિખરો પર થતી આ વિવાદાસ્પદ પ્રવૃત્તિઓથી જાહેર સુલેહ-શાંતિનો ભંગ થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. સંતોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો આવાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી મેળા દરમિયાન અશાંતિ સર્જાઈ શકે છે. હાલમાં ભવનાથ પોલીસે ગુનો નોંધીને ટેક્નિકલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.
