પશ્ચિમ બંગાળમાં નવી નવી બનેલી ભાજપની શુવેન્દુ અધિકારી સરકાર કાર્યભાર સંભાળતાં જ ધડાધડ નિર્ણયો લઈ રહી છે. શુવેન્દુની સરકારે એક અત્યંત રસપ્રદ અને ચર્ચાસ્પદ નિર્ણય અન્ય પછાત વર્ગ (ઓબીસી) અનામતમાં ઘટાડાનો લીધો છે. બંગાળમાં અત્યાર સુધી સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ઓબીસી અનામત 17 ટકા હતી એ ઘટાડીને સાત ટકા કરી દેવાઈ છે.
પહેલાં કુલ 147 જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભમળતો હતો. તેના બદલે હવે 66 જ્ઞાતિઓને જ અનામતનો લાભમળશે. ભાજપ મતબેંક માટે થઈને અત્યારે ઓબીસી મતદારોના પગોમાં આળોટી રહ્યો છે ત્યારે ઓબીસી અનામતનું પ્રમાણ સીધું 10 ટકા ઘટાડી દીધું તેના કારણે ઘણાંને આશ્ચર્ય થયું છે. જો કે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી કેમ કે લાલો લાભ વિના લોટતો નથી. આ નિર્ણય પાછળ ભાજપનો રાજકીય ફાયદો છે જ કેમ કે ઓબીસી અનામતનો લાભ બંધ કરાયો તેમાં બહુમતી મુસ્લિમ જ્ઞાતિઓ છે.
તેના કારણે ભાજપની હિંદુવાદી છાપ મજબૂત બનશે તેથી ભાજપે લોકોનું હિત નહીં પણ પોતાનો ફાયદો જ જોયો છે પણ તેના કારણે એક વાત સાબિત થઈ છે કે, સત્તાધીશો ધારે તો અનામતનું પ્રમાણ ચોક્કસ ઘટાડી શકે છે. સવાલ એ છે કે, રાજકીય ફાયદા માટે અનામતનું પ્રમાણ ઘટાડી શકાય તો લોકોના ફાયદા માટે એવો નિર્ણય કેમ ના લઈ શકાય? બંગાળમાં અનામતનું પ્રમાણ ઘટાડી શકાય તો બીજાં રાજ્યોમાં કેમ ના ઘટાડી શકાય ? ભાજપે રાજકીય ફાયદાને ખાતર પણ એક સારું કામ કર્યું છે ને દેશના દરેક રાજ્યમાં તેનું અનુસરણ થવું જોઈએ. ભારતમાં અનામત પેચીદો પ્રશ્ન છે ને મતબેંક સાથે સંકળાયેલો છે તેથી રાજકીય પક્ષો તેને અડતા નથી પણ રાજકીય પક્ષોના સ્વાર્થની બહુ ખરાબ અસરો દેશ પર પડી રહી છે. ખાસ કરીને ઓબીસી અનામતના કારણે દેશને મોટો ફટકો પડી રહ્યો છે.
આ અનામતના કારણે જનરલ કેટેગરીના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે દેશમાં તકો ઓછી થઈ ગઈ છે તેથી હતાશ થઈને એ બધા વિદેશ ભણી ભાગી રહ્યા છે. આ દેશમાં પેદા થયેલા, દેશમાં પ્રાથિમક ને મોટા ભાગના કિસ્સામાં તો છેક ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓ તકના અભાવે વિદેશ ભાગી જાય છે ને ત્યાં જ સ્થાયી થઈ જાય છે. તેના કારણે આપણે તેમનામાં કરેલું રોકાણ તો વેડફાઈ જ જાય છે પણ ટેલેન્ટેડ યુવાઓના જોરે મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવાનું સપનું પણ ચકનાચૂર થઈ રહ્યું છે. જે ટેલેન્ટ ભારતના નિર્માણમાં યોગદાન આપવી જોઈએ એ ટેલેન્ટ બીજાં દેશોના વિકાસમાં ફાળો આપી રહી છે તેનું કારણ અનામત છે.
