કન્વીનર મીટમાં સ્પષ્ટતા કરી લાંબા સમયથી ચાલતા અપપ્રચારનો પરપોટો ફોડતા ખોડલધામના ચેરમેન
પટેલ સમાજ ખુબ બહોળો, ભોળો અને કાનનો કાચો પણ છે, કેટલાકે સરકારમાં જઇ મારી વિરૂધ્ધ ફરીયાદો કરી હતી
શ્રી ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક ચેરમેન નરેશભાિ પટેલ પછી ટ્રસ્ટના ચેરમેનપદે તેના પુત્રની જ નિમણુંક થશે તેવા છેલ્લા કેટલાક સમયથી ચાલતા અપપ્રચાર અંગે ગઇકાલે ખોડલધામ મંદિર ખાતે યોજાયેલ ક્ધવીનર મીટમાં નરેશભાઇ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મેં કયારેય એવું નથી કહ્યું કે મારો પુત્ર ચેરમેન બને.
પોતાના પ્રવચન દરમિયાન સહજ રીતે નરેશભાઇ પટેલે કરેલી આ સ્પષ્ટતાના કારણે લાંબા સમયથી ચાલતા અપપ્રચારને બ્રેક લાગી છે.
આ સિવાય નરેશભાઇ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, પટેલ સમાજ બહુ બહોળો છે અને ભોળો પણ છે. પટેલ સમાજ કાનનો પણ કાચો છે. ઘણા લોકોએ સરકારમાં જઇને ફરીયાદો કરી હતી કે, નરેશભાઇ આમ કરે છે…. નરેશભાઇએ આવું કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ખોડલધામના સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યો હતો અને પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલની સંગઠનના અધ્યક્ષ તરીકે નિમણુનક કરવામાં આવી હતી. આ ઉપરાંત જેલીબેન ઠુંમર, જશુબેન કોરાટ જેવા રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા મહીલા અગ્રણીઓને પણ ખોડલધામ સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રેમ લગ્નમાં ઘરની સંમતિ જરૂરી, તો જ દીકરીઓ સુરક્ષિત રહેશે: અનાર પટેલ
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી સોંપવાની આવી ત્યારે અનારબેન પટેલે પ્રેમ લગ્ન વિશે મોટું અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પટેલની દીકરી પટેલમાં રહે કે પટેલની દીકરી પટેલના ઘરમાં ન રહે. આ સાથે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે પ્રેમ થતો હોય ત્યારે પરિવારની સંમતિ વગર લગ્ન થાય તેને લવ મેરેજ કહેવામાં આવે છે. આપણે એટલી અપેક્ષા તો રાખીએ કે, ઘરની સંમત્તિથી બધુ થાય તો ઘરની દીકરી સુરક્ષિત રહે. અનારબેન પટેલે વધુમાં કહ્યું, આપણે એટલી અપેક્ષા રાખીએ કે ઘરની સંમતિથી બધું થાય. તો જ દીકરીઓ સુરક્ષિત રહેશે. તેમનું આ નિવેદન પટેલ સમાજમાં પ્રેમ લગ્ન અને આંતરજાતીય લગ્નના વધતા જતા વલણને ધ્યાનમાં રાખીને આવ્યું છે. તેમણે ભાર મૂક્યો કે, પરિવારની સંમતિ વિના થયેલા લગ્નમાં દીકરીઓને અનેક જોખમોનો સામનો કરવો પડી શકે છે, જેમ કે સામાજિક દબાણ, પારિવારિક વિવાદ અને કેટલીક વખત સુરક્ષાના પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે.
