પીએમ મોદી પણ ફૂલ ફોર્મમાં…કહ્યું મિલઝુલ કે નયા જહાં બનાયે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ મિત્રતા અને કુદરતી ભાગીદારી પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો ભારત-અમેરિકા ભાગીદારીની અપાર સંભાવનાઓને ખોલવાનો માર્ગ મોકળો કરશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ ચર્ચાઓ શક્ય તેટલી વહેલી તકે અંતિમ સ્વરૂૂપ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને એક મહાન દેશ ગણાવીને વેપાર વાટાઘાટો ચાલુ રાખવાની વાત કરી છે.
મોદીએ એક નિવેદનમાં કહ્યું, ભારત અને અમેરિકા નજીકના મિત્રો અને કુદરતી ભાગીદારો છે. મને વિશ્વાસ છે કે આપણી વેપાર વાટાઘાટો ભારત-અમેરિકા ભાગીદારીની અપાર સંભાવનાઓને ખોલવાનો માર્ગ મોકળો કરશે. અમારી ટીમો આ ચર્ચાઓને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ આતુર છું. સાથે મળીને આપણે બંને દેશોના લોકો માટે ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરીશું.
અગાઉ, ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધો અંગે વાટાઘાટો ચાલી રહી છે.
હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર વડા પ્રધાન મોદી સાથે વાત કરવા માટે આતુર છું. મને ખાતરી છે કે બંને મહાન દેશો વચ્ચેનો આ સંવાદ સફળ નિષ્કર્ષ પર પહોંચશે.
ટ્રમ્પના વલણમાં અચાનક ફેરફાર થયો છે, જે છેલ્લા કેટલાક સમયથી ભારત વિરુદ્ધ કડક ટિપ્પણીઓ કરી રહ્યા છે. તાજેતરમાં, ટ્રમ્પે નરેન્દ્ર મોદીને એક મહાન વડા પ્રધાન ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ હંમેશા તેમના મિત્ર રહેશે. આ અંગે, પીએમ મોદીએ પણ જવાબ આપતા લખ્યું કે તેઓ ટ્રમ્પની સકારાત્મક લાગણીઓની ખૂબ પ્રશંસા કરે છે.
