‘મુઝે પેરમે ચોટ લગી હૈ, આગે તક છોડ દે’ કહી યુવકને છરી બતાવી 4 લાખની લૂંટ

રાજકોટની સોની બજારમાં ધોળા દિવસે અથવા વ્યસ્ત સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના માંડવી ચોક વિસ્તારમાં…

રાજકોટની સોની બજારમાં ધોળા દિવસે અથવા વ્યસ્ત સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના માંડવી ચોક વિસ્તારમાં આવેલી એક સોનીની દુકાનના 19 વર્ષીય રાજસ્થાની કારીગર યુવકને છરીની અણીએ ડરાવી, અજાણ્યો શખ્સ આશરે ₹4 લાખની કિંમતની સોનાના તારની લગડી લૂંટીને ફરાર થઈ જતાં સમગ્ર સોની બજાર અને વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એ-ડિવિઝન પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની વિગત એવી છે કે, માંડવી ચોક પાસે જુઠા દોષીની શેરીમાં આવેલી ’બાલાજી તારવાળા’ની દુકાનમાં સોનીકામની મજૂરી કરતા અને મૂળ રાજસ્થાનના વતની 19 વર્ષીય સચિન મુલારામ મીણાએ આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે. સચિન તેના ઓળખીતા ઉમેદારામ હીરારામ ચૌહાણ અને તેમના પાર્ટનર મહેન્દ્રસિંહ જોધાની દુકાને રહીને કામ શીખે છે અને ત્યાં જ રહે છે. રાત્રિના આશરે આઠેક વાગ્યે શેઠ ઉમેદારામે સોનાના તારની લગડી બનાવવાની હોવાથી, કોઠારીયા ચોકીની સામે નિર્મલભાઈ પરમારની દુકાનેથી આશરે 33 ગ્રામ ફાઇન સોનું લેવા માટે સચિનને પોતાની એક્ટિવા ગાડી (નંબર GJ 03 PB 7506) આપીને મોકલ્યો હતો.

ત્યારબાદ સોનાના તારની લગડી તૈયાર થઈ જતાં, સાડા નવેક વાગ્યે તેને મૂળ દુકાને પહોંચાડવા માટે શેઠે જણાવતા સચિન સોનાની લગડી પોતાના પેન્ટના ડાબી બાજુના ખિસ્સામાં મૂકીને નીકળ્યો હતો. તે દુકાનથી માંડવી ચોક તરફ માંડ પચાસેક ફૂટ આગળ પહોંચ્યો ત્યાં જ રસ્તામાં એક અજાણ્યો શખ્સ એક્ટિવા આડો આવી ઊભો રહી ગયો હતો. તે શખ્સે હિન્દી ભાષામાં “મુઝે પેરમે ચોટ લગી હે, આગે તક છોડ દે” (મને પગમાં વાગ્યું છે, આગળ સુધી મૂકી જા) તેમ કહી સચિનની પાછળ ગાડી પર બેસી ગયો હતો. ગાડી થોડી જ આગળ ચાલી ત્યાં પાછળ બેઠેલા શખ્સે અચાનક પોતાનો અસલી મિજાજ બતાવ્યો હતો અને હિન્દીમાં ધમકાવતા કહ્યું કે, “ચિલ્લાયા તો ચાકુ લગા દુંગા” (જો બૂમાબૂમ કરી તો છરી મારી દઈશ). આરોપીએ પોતાના જમણા હાથમાં રૂૂમાલ વીંટેલું કોઈ અણીદાર હથિયાર સચિનની કમરે અડાડી દીધું હતું અને મારી નાખવાની ધમકી આપી ગાડી આગળ ચલાવવા દબાણ કર્યું હતું.

ભયભીત થયેલા યુવકે તેના કહ્યા મુજબ એક્ટિવા આગળ ચલાવી હતી. ત્યારબાદ માંડવી ચોકના ઢાળીયા પાસે પહોંચતા જ લૂંટારુએ ગાડી વાળવાનો ઈશારો કર્યો હતો અને ચાલુ ગાડીએ સચિનના પેન્ટના ડાબા ખિસ્સામાંથી આશરે 43 ગ્રામ વજન ધરાવતી (16 કેરેટ) અને આશરે ₹4 લાખની કિંમતની સોનાના તારની લગડી બળજબરીથી કાઢી લીધી હતી. આસોપાલવ જ્વેલર્સની સામે એક્ટિવા એકદમ ઊભી રખાવી, જતા-જતા પણ લૂંટારુએ ધમકી આપી હતી કે “એક્ટિવા મોડ કે પીછે ભાગ જા નહી તો ચાકુ ઘુસા દુંગા”.

આટલું કહી તે શખ્સ ઝડપથી પગપાળા જ ઢાળીયો ઉતરીને નાસી છૂટ્યો હતો. ગભરાઈ ગયેલા સચિને તાત્કાલિક શેઠ ઉમેદારામને ફોન કરીને બોલાવ્યા હતા અને રાજસ્થાની સમાજના અન્ય લોકોને પણ એકઠા કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સીસીટીવીના આધારે તપાસ તેજ કરાઈ છે, લૂંટ કરનાર શખ્સ પોલીસના સાવ હાથવેંતમાં છે અને ટૂંક સમયમાં જ મુદ્દામાલ રિકવર થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *