હું મોદીનો ફેન, ભારત મારા પર 100 ટકા ભરોસો કરી શકે છે, ટ્રમ્પ ઓળઘોળ

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુલ્લેઆમ વખાણ કરતા કહ્યું છે કે ભારત જ્યારે પણ ઈચ્છશે, અમેરિકા અને તેઓ પોતે તેની સાથે ઊભા રહેશે.…

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુલ્લેઆમ વખાણ કરતા કહ્યું છે કે ભારત જ્યારે પણ ઈચ્છશે, અમેરિકા અને તેઓ પોતે તેની સાથે ઊભા રહેશે. અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂરા થવા નિમિત્તે ગઇકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ક્ધવેન્શન સેન્ટરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ટ્રમ્પે અમેરિકી રાજદૂત સર્જિયો ગોરને ફોન કરીને સંબોધિત કર્યા. ટ્રમ્પે કહ્યું, ભારત મારા પર 100 ટકા ભરોસો કરી શકે છે. જો તેમને ક્યારેય મદદની જરૂૂર પડે, તો તેમને ખબર છે કે ક્યાં ફોન કરવો.

ટ્રમ્પે પોતાને પીએમ મોદીના ખૂબ મોટા પ્રશંસક ગણાવ્યા. ટ્રમ્પે માર્કો રુબિયોને કહ્યું, પીએમ મોદીને મારી તરફથી નમસ્તે કહેજો અને તેમને જણાવજો કે હું તેમનો ખૂબ મોટો પ્રશંસક છું. ટ્રમ્પે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોના પણ ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું, માર્કો સૌથી શ્રેષ્ઠ છે. તેઓ અમેરિકાના ઇતિહાસના સૌથી મહાન વિદેશ મંત્રી છે.

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કહ્યું કે જ્યારે પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સાથે વાત કરે છે, ત્યારે સૌથી પહેલા વડાપ્રધાન મોદી વિશે પૂછે છે. તેમણે કહ્યું કે ભારત-અમેરિકાના સંબંધો નવા નથી, પરંતુ મજબૂત વિશ્વાસ પર ટકેલા છે. ગોરે કહ્યું કે અમેરિકા ફર્સ્ટનો અર્થ માત્ર અમેરિકા નથી. બંને દેશો મળીને એવી તકો શોધી રહ્યા છે, જેનાથી બંનેને ફાયદો થાય. તેમણે જણાવ્યું કે ભારતમાં અમેરિકી દૂતાવાસે આ વર્ષે રેકોર્ડ 20.5 અબજ ડોલરનું રોકાણ અમેરિકામાં લાવવામાં મદદ કરી છે.

રુબિયોની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક અને રાજદ્વારી તણાવ વધ્યો છે. તેનું મુખ્ય કારણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિ છે, જેના હેઠળ ઘણા ભારતીય ઉત્પાદનો પર શુલ્ક વધારવામાં આવ્યો છે.

કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે આજના સમયમાં ભારત અને અમેરિકાના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશોની ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશા નક્કી કરી છે. આનાથી ભારત અને અમેરિકા બંનેના લોકોને ફાયદો થશે અને દુનિયામાં પણ સારો સંદેશ જશે.

જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા આતંકવાદ વિરુદ્ધ મળીને કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આતંકવાદને લઈને ઝીરો ટોલરન્સ એટલે કે બિલકુલ પણ નરમાઈ ન હોવી જોઈએ. આ જ કારણથી બંને દેશો વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા બંને લોકતાંત્રિક દેશો છે. બંનેની અર્થવ્યવસ્થા ખુલ્લી છે અને સમાજ પણ ખુલ્લા વિચારોવાળો છે. આ જ સમાનતાઓ બંને દેશોને મજબૂત વ્યૂહાત્મક ભાગીદાર બનાવે છે. વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી, સેમિક્ધડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઊર્જા, અવકાશ, શિક્ષણ, આરોગ્ય અને સંસ્કૃતિ જેવા અનેક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *