પંચાયતના વિકાસના કામમાં રાજકીય કિન્નાખોરી રાખી ધમકી આપતા ઝેરી દવા પી લીધી: મહિલા સરપંચના પતિનો આપઘાતના પ્રયાસનો વીડિયો વાયરલ
જસદણ તાલુકાના જસાપર ગામે પંચાયતના વિકાસ કાર્યોને લઈને ચાલી રહેલી રાજકીય અદાવતમાં ગામના મહિલા સરપંચના પતિએ સ્થાનિક અસામાજિક તત્વોના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. દવા પીતા પહેલાં મહિલા સરપંચના પતિએ પોતાના મોબાઈલ ફોનમાં એક વિડીયો પણ બનાવ્યો હતો, જેમાં આ ત્રણેય અસામાજિક તત્વોના ત્રાસ અને દબાણનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. આ મામલે આટકોટ પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જસાપર ગામના મહિલા સરપંચ પૂર્વીબેન ઉર્ફે દયાબેનના પતિ ધર્મેશભાઈ મગનભાઈ ચોથાણીએ ગ્રામ પંચાયતમાં રસ્તા પર પેવર બ્લોક નાખવાનું કામ મંજૂર કરાવ્યું હતું. આ કામ ધર્મેશભાઈ જાતે કરવાના હતા, જે ગામના જ કેટલાક શખ્સોને ખૂંચતું હતું. આરોપીઓ ગોવિંદભાઈ ભીમજીભાઈ ભાયાણી, રોહીતભાઈ પોપટભાઇ વસાણી અને જીવણભાઈ વિભાભાઈ સીરોડીયા પંચાયતનું આ કામ રોકી રહ્યા હતા અને રાજકીય કીન્નાખોરી રાખી ધર્મેશભાઈને પરેશાન કરતા હતા. આરોપીઓએ ધર્મેશભાઈને ફોન કરીને અવારનવાર બિભત્સ ગાળો આપી હતી. તેઓ ધર્મેશભાઈ પર દબાણ લાવી રહ્યા હતા કે પંચાયતના કામો તેમના કહ્યા મુજબ જ થાય. જો તેમની વાત માનવામાં નહીં આવે, તો ધર્મેશભાઈના હાથ-પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
આ સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને ગત તારીખ 19/06/2026ના રોજ ધર્મેશભાઈએ જૂના જસાપર ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ જઈને આત્મહત્યા કરવાના ઈરાદે ઝેરી દવા પી લીધી હતી. દવા પીતા પહેલાં તેમણે પોતાના મોબાઈલ ફોનમાં એક વિડીયો પણ બનાવ્યો હતો, જેમાં આ ત્રણેય અસામાજિક તત્વોના ત્રાસ અને દબાણનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. હાલમાં ધર્મેશભાઈ ગોંડલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટના અંગે ભોગ બનનારના પિતા મગનભાઇ લીંબાભાઈ ચોથાણી (ઉ.વ. 63) એ આટકોટ પોલીસ સ્ટેશનમાં રૂૂબરૂૂ આવીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગોવિંદભાઈ ભાયાણી, રોહીતભાઈ વસાણી અને જીવણભાઈ સીરોડીયા વિરુદ્ધ બી.એન.એએસ. ની કલમ 352, 351(3), અને 54 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ મેપાભાઈ ધ્રાંગીયા ચલાવી રહ્યા છે.
