લાકડાની આડીમાં શર્ટ વડે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું : 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
દારૂની કુટેવથી અનેક યુવાનો મોતના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. ત્યારે આવા જ એક વધુ બનાવમાં દારૂની કુટેવ ધરાવતા યુવાને આપઘાત કરી લેતા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતો યુવાન દારૂ પી ઘરે આવતા પત્નીએ દારૂની લત છોડી દેવાનુ કહેતા દંપતિ વચ્ચે ચડભડ થઇ હતી. જેમાં લાગી આવતા પતિએ લાકડાની આડીમાં શર્ટ વડે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં પાણીના ટાકા પાસે રહેતા જીતેશ મનુભાઇ જખાણીયા (ઉ.વ.35)નામના યુવાને આજે વહેલી સવારે પોતાના ઘરે લાકડાની આડીમાં શર્ટ વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિ. પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક જીતેશ પાંચ ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને કલરકામ કરતો હતો તેને સંતાનમાં એક દિકરી અને બે દિકરી હોવાનુ જાણવા મળ્યુ છે. વધુ તપાસમાં મૃતક જીતેશને દારૂ પીવાની કુટેવ હોય રોજ દારૂપી ઘરે આવતો હોવાથી પત્ની નીમુબેને દારૂની લત છોડી દેવાનુ કહેતા બંને વચ્ચે ચડભડ થઇ હતી.
જેથી લાગી આવતા જીતેશે આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યુ હતું. આ અંગે યુનિ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
