માવતરેથી લાવેલી બુટી ગીરવે મૂકવા મામલે પરિણીતા સાથે ઝઘડો કરી પતિએ માર માર્યો

રાજકોટના રૈયા રોડ પર આવેલા આર.એમ.સી. ક્વાર્ટરમાં રહેતા 34 વર્ષીય દિવ્યાબેન મહેશભાઈ બારોટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ હિમાંશુભાઈ ઉર્ફે રઘુ ભુરાભાઈ જાદવ વિરુદ્ધ ફરિયાદ…

રાજકોટના રૈયા રોડ પર આવેલા આર.એમ.સી. ક્વાર્ટરમાં રહેતા 34 વર્ષીય દિવ્યાબેન મહેશભાઈ બારોટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ હિમાંશુભાઈ ઉર્ફે રઘુ ભુરાભાઈ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, દિવ્યાબેનના પ્રથમ પતિનું અકસ્માતમાં અવસાન થયા બાદ તેમણે હિમાંશુભાઈ સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ, દિવ્યાબેન પોતાના પિતાના ઘરેથી લાવેલી સોનાની બુટી હિમાંશુએ ગીરવે મૂકી દીધી હતી. આ બાબતે બંને વચ્ચે છેલ્લા છ મહિનાથી મનદુ:ખ ચાલતું હતું અને પતિ અવારનવાર મેણા-ટોણા મારી માનસિક ત્રાસ આપતો હતો. તારીખ 3 એપ્રિલ 2026ના રોજ સવારે આશરે 10:30 વાગ્યે જ્યારે દિવ્યાબેન, તેમના પતિ, સાસુ જીગ્નાબેન અને અન્ય પરિચિતો ઘરે હાજર હતા, ત્યારે વિવાદ વકર્યો હતો.

દિવ્યાબેનના માતાએ ગીરવે મૂકેલી બુટી છોડાવી લેવા અને સમાધાન કરવા સમજાવતા હિમાંશુ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે દિવ્યાબેનનો હાથ મરોડી નાખ્યો હતો અને સાસુને કમરના ભાગે લાત મારી નીચે પાડી દીધા હતા. આટલું જ નહીં, આરોપીએ ગાળો ભાંડી પરિવારને ’જોઈ લેવાની’ ધમકી પણ આપી હતી.

આ ઘટના બાદ દિવ્યાબેને મોડી રાત્રે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચી લેખિત ફરિયાદ આપી હતી.
પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 85, 115(2) અને 351(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને હુમલાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *