જૂનાગઢમાં સોપારી ખાવા મામલે પતિના હાથે પત્નીની હત્યાનો પ્રયાસ, ધરપકડ

જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં પત્નીએ સોપારી ખાધાની વાતને લઈને શરૂૂ થયેલો ઘરેલુ વિવાદ ગંભીર ગુનામાં પરિણમ્યો હતો. પત્ની પર જીવલેણ હુમલો કરીને તેને ગંભીર રીતે…

જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં પત્નીએ સોપારી ખાધાની વાતને લઈને શરૂૂ થયેલો ઘરેલુ વિવાદ ગંભીર ગુનામાં પરિણમ્યો હતો. પત્ની પર જીવલેણ હુમલો કરીને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવાના આરોપમાં નોંધાયેલા ગુનાના આરોપીને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. ઇજાગ્રસ્ત મહિલા હજુ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ફરિયાદ મુજબ ઇજાગ્રસ્ત મહિલા પોતાના પતિ સાથે રહેતી હતી. ઘટનાના દિવસે બંને સવારે મહિલાના પિયર પક્ષના ઘરે ગયા હતા, જ્યાં મકાનના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. દિવસ દરમિયાન બધું સામાન્ય રહ્યું હતું, પરંતુ બપોર બાદ પતિએ પત્નીને સોપારી ખાવાની બાબતે ઠપકો આપતાં બંને વચ્ચે બોલાચાલી શરૂૂ થઈ હતી. તે સમયે પરિવારના સભ્યોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો અને સાંજના સમયે બંને પોતાના ઘરે પરત ફરી ગયા હતા.

પરંતુ ઘરે પહોંચ્યા બાદ બંને વચ્ચે ફરીથી ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. આરોપી ભોળા એ પત્નીને ગાળો આપી મારકૂટ કરી હતી. ત્યારબાદ ગુસ્સામાં આવી કોઈ બોથડ પદાર્થ વડે માથાના ભાગે પ્રહાર કરતાં મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાની ગંભીરતા જોતા પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ ઇજાગ્રસ્ત મહિલાના ભાઈને પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. બહેનની સ્થિતિ ગંભીર હોવાથી અને તે નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેના ભાઈએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. સારવાર અને હોસ્પિટલ સુધીની પ્રક્રિયાના કારણે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું પણ પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.આ કેસમાં પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાને આવરી લેતી કલમ, સ્વેચ્છાએ ઇજા પહોંચાડવા સંબંધિત કલમ તેમજ અપમાનજનક અને ઉશ્કેરણીજનક વર્તનની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *