પત્નીએ છૂટાછેડા માટે વકીલની સલાહ લીધી હોવાની જાણ થતા પતિએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યો

શહેરમાં વધુ એક ઘરેલું હિંસાની ઘટના સામે આવી છે.ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા 44 વર્ષીય મહિલા જયશ્રીબેન સોલંકીએ તેમના જ પતિ હાર્દિકભાઈ હરેશભાઈ સોલંકી વિરુદ્ધ…

શહેરમાં વધુ એક ઘરેલું હિંસાની ઘટના સામે આવી છે.ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા 44 વર્ષીય મહિલા જયશ્રીબેન સોલંકીએ તેમના જ પતિ હાર્દિકભાઈ હરેશભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની વિગત મુજબ, પતિ-પત્ની વચ્ચે છેલ્લા ચાર મહિનાથી વિખવાદ ચાલતો હતો, જેના કારણે જયશ્રીબેન તેમની મોટી દીકરી સાથે મુંબઈ ખાતે રહેવા જતા રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન જયશ્રીબેને પતિથી અલગ થવા માટે છૂટાછેડા લેવા અંગે વકીલની સલાહ મેળવી હતી. જોકે, 15 દિવસ પહેલા જ્ઞાતિના આગેવાનો અને પરિવાર દ્વારા સમાધાન થતા તેઓ ઘરે પરત ફર્યા હતા.

હુમલાની આ ઘટના ગત સોમવાર, 4 મે 2026 ના રોજ સાંજે આશરે 4:30 વાગ્યાની આસપાસ બની હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, હાર્દિકભાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમને પત્નીએ અગાઉ છૂટાછેડા માટે વકીલનો સંપર્ક કર્યો હોવાની જાણ થઈ હતી. આ વાતથી ઉશ્કેરાઈને પતિએ પત્ની સાથે બોલાચાલી શરૂૂ કરી હતી અને ગાળાગાળી કરી હતી. જ્યારે જયશ્રીબેને ગાળો બોલવાની મનાઈ કરી, ત્યારે હાર્દિકભાઈએ તેમને ઢીકાપાટુનો માર મારવાનું શરૂૂ કર્યું હતું. પતિએ પોતાના હાથમાં પહેરેલી લોખંડની લકી (કડું) વડે પત્નીના માથાના ભાગે જોરદાર પ્રહાર કરતા બેભાન જેવા થઈ ગયા હતા.

હિંસા એટલી હદે વધી ગઈ હતી કે જયશ્રીબેન ઇજાના કારણે બેભાન જેવી હાલતમાં લોખંડની સેટી પકડીને બેસી ગયા હતા, ત્યારે પણ નરાધમ પતિએ દયા રાખવાને બદલે તેમના જમણા હાથ પર જોરથી પાટું માર્યું હતું, જેના પરિણામે તેમને ગંભીર ફ્રેક્ચર થયું હતું. આ આખી ઘટના દરમિયાન 17 વર્ષની નાની દીકરીએ હિંમત બતાવી પડોશમાં રહેતા ભરતભાઈને બોલાવી લાવતા જયશ્રીબેનનો બચાવ થયો હતો. પાડોશીએ દરમિયાનગીરી કરી તેમને પતિના ચુંગાલમાંથી છોડાવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે પ્રથમ દોશી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર ઇજા હોવાથી આરોગ્યમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

માલવીયાનગર પોલીસે આ મામલે આરોપી પતિ હાર્દિકભાઈ સોલંકી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 85, 115(2), 118(1), 117(2) અને 352 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાના માથામાં ત્રણ ટાંકા આવ્યા છે અને હાથમાં ફ્રેક્ચર હોવાથી ઓપરેશન કરવાની ફરજ પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *