શહેરની ભાગોળે વાવડીના ગૌતમબુદ્ધનગરમાં રહેતી સગર્ભા અચાનક પોતાના ઘરે પરત ફરી ત્યારે તેનો પતિ અને તેની પ્રેમિકા રૂૂમમાં સાથે સૂતેલા મળ્યા હતા, પતિ અને તેની પ્રેમિકાએ મારકૂટ કરતાં સગર્ભાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પતિ સહિતના સાસરિયાંઓ ત્રાસ આપતા હોવાનો પણ સગર્ભાએ આક્ષેપ કર્યો હતો. વધુ વિગતો મુજબ, ગૌતમ બુદ્ધનગરમાં રહેતી ચંદ્રિકા રાઠોડે (ઉ.વ.30) તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાઠોડ, સસરા રમેશ, સાસુ ભાનુ, પતિની પ્રેમિકા જયશ્રી અને હિતેષના નામ આપ્યા હતા.
ચંદ્રિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન છ વર્ષ પહેલાં થયા હતા અને તેને સંતાનમાં છ વર્ષની પુત્રી છે. પુત્રીના જન્મ બાદ પતિ સહિતના સાસરિયાંઓ મેણાંટોણાં મારવા લાગ્યા હતા કરિયાવર મુદ્દે ત્રાસ આપવા લાગ્યા હતા. સાસરિયાંના ત્રાસથી કંટાળી પોતે પિયર રિસામણે પણ બેઠી હતી.પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ બાબતે તેને પૂછતી ત્યારે પતિ ફડાકા ઝીંકતો હતો. દોઢ મહિના પહેલાં નણંદ સહિતના લોકો સમજાવીને ચંદ્રિકાને પરત તેડી ગયા હતા.
ચંદ્રિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે સગર્ભા હોવાથી રાજકોટની ઝનાના હોસ્પિટલમાં સારવાર ચાલુ છે ગત તા.27ના સવારે હોસ્પિટલે જવા પતિને કહ્યું તો પતિએ સાથે જવાની ના કહી દીધી હતી, સવારે સાડા નવેક વાગ્યે ચંદ્રિકા એકલી હોસ્પિટલે જવા નીકળી હતી, તેનું પર્સ અને મોબાઇલ ઘરે ભૂલાઇ ગયાની જાણ થતાં રસ્તેથી તે પરત આવી હતી.
રૂૂમનો દરવાજો ખોલતાં જ શેટી પર પતિ જીતેન્દ્ર અને તેની પ્રેમિકા જયશ્રી સાથે સૂતેલા જોવા મળ્યા હતા, ચંદ્રિકાએ મોબાઇલથી તે તસવીર ખેંચવાનો પ્રયાસ કર્યો તો પતિ અને તેની પ્રેમિકાએ તેના વાળ પકડી મારકૂટ કરી હતી. ચંદ્રિકાએ બાબતે હિતેષને જાણ કરતાં તેણે પણ ઝઘડો કર્યો હતો.પતિ એ ધમકી આપી હતી કે, આ બાબતે કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ. પોલીસે ચંદ્રિકાની ફરિયાદ પરથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
