સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો અને શરૂઆતના જ કારોબારમાં 78 હજાર 800ની સપાટી વટાવી ગયો હતો. નિફ્ટી પણ પાછલા બંધ સામે બુલંદ તેજી સાથે 24,500ના સ્તરને પાર કરી ગયો હતો.
શેરબજારના કારોબારની શરૂઆતની વાત કરીએ તો, BSE સેન્સેક્સ તેના પાછલા શુક્રવારના બંધ 78,094ની સરખામણીએ 789 પોઇન્ટના ઉછાળા સાથે 78,883 પર ખૂલ્યો હતો અને ત્યારબાદ 78,895ના સ્તરે પહોંચી ગયો હતો. બીજી તરફ, NSE નિફ્ટી ઇન્ડેક્સ તેના પાછલા બંધ 24,383ની સામે જોરદાર તેજી સાથે 24,572ના સ્તરે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.
સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી વચ્ચે નોંધપાત્ર વૃદ્ધિમાં BSE લાર્જ-કેપ શેરો જેમ કે બજાજ ફાઇનાન્સ (3%), ઇન્ડિગો (2.90%), બજાજ ફિનસર્વ (2.70%) અને ITC (2%)નો સમાવેશ થાય છે. મિડ-કેપ કેટેગરીમાં, અશોક લેલેન્ડ (2.95%), પેટીએમ (1.95%) અને સુઝલોન (1.90%) માં વધારો જોવા મળ્યો. સ્મોલ-કેપ શેરોમાં, રેડિંગ્ટન (4.90%), GEShip (4.20%) અને રિલાયન્સ પાવર (3.90%) માં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો.
બજારમાં આવેલા આ જોરદાર ઉછાળા પાછળ વૈશ્વિક સકારાત્મક સંકેતો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને લઈને લેવામાં આવેલા મહત્વના નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે, જેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે.
