ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી: ફર્નિચર – દવાનો જથ્થો ખાક બુઝુર્ગો સલામત
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા બાયપાસ પાસે અમન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં સ્ટોર રૂૂમમાં સાંજના 7.30 વાગ્યાના સમયમાં અકસ્માતે આગ લાગી હતી. મીટર બોક્સ માં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગી હતી, અને ત્યાં દવાનો જથ્થો એક કબાટમાં રાખવામાં આવ્યો હતો, તે જથ્થો સળગ્યો હતો, ઉપરાંત આસપાસના વિસ્તારમાં ફર્નિચર, સાવરણી, લાકડા પાઇપ વગેરે રાખવામાં આવ્યા હતા, તેમાં પણ આગ લાગી હતી. જે બનાવને લઈને થોડો સમય માટે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
વૃદ્ધાશ્રમની અંદર હાજર રહેલા 25 જેટલા વડીલોને સલામત રીતે ખસેડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાના સ્ટેશન ઓફિસર ઉમેદ ગામેતી સહિતની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી સમયસર આગ કાબુમાં આવી જતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. જો કે તે પહેલાં ફર્નિચર, સાવરણી અને દવાનો જથ્થો વગેરે બળીને ખાખ થયા હતા.
