’કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે પ્રચાર કરતા લો ના એક વિદ્યાર્થીને ગ્રેટર નોઈડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે શાંતિ જાળવવાની નોટિસ પાઠવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લઈને મેજિસ્ટ્રેટનો ઉધડો લીધો હતો. 1 સપ્ટેમ્બરે દેશવ્યાપી આદેશ આપીને કોર્ટે વિદ્યાર્થીઓ સામે આવી કાર્યવાહી કરવા પર સ્પષ્ટ રોક લગાવી હતી. જોકે વધતા વિવાદ વચ્ચે મેજિસ્ટ્રેટે નોટિસ પાછી ખેંચી લીધી છે, છતાં સુપ્રીમ કોર્ટે આ બાબતને ખૂબ ગંભીર ગણાવી છે.
ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ સીનિયર એડવોકેટ વિશ્વજીત ભટ્ટાચાર્ય દ્વારા આ મામલો મૌખિક રીતે લાવવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટની આ કાર્યવાહી સામે ભારે વાંધો ઉઠાવતા CJI સૂર્યકાંતે સવાલ કર્યો હતો કે, ’કોઈ પણ મેજિસ્ટ્રેટ આવી નોટિસ જાહેર કરવાની હિંમત કેવી રીતે કરી શકે? અમે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કોઈ પણ વિદ્યાર્થી સામે દંડાત્મક કાર્યવાહી નહીં થાય. કોઈ પણ મેજિસ્ટ્રેટ સુપ્રીમ કોર્ટના એ આદેશનું અનાદર કે ઉલ્લંઘન કરી શકે નહીં.’
સુપ્રીમ કોર્ટે બુધવારે ગ્રેટર નોઈડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કામગીરી સામે કડક વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, ’જ્યારે વિદ્યાર્થીઓના આંદોલન સંબંધિત તમામ એફઆઈઆર રદ કરી દેવામાં આવી હતી અને ભવિષ્યમાં સીજેપી પ્રદર્શન અંગે કોઈ પણ વિદ્યાર્થી સામે દંડાત્મક પગલાં ન લેવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો, છતાં મેજિસ્ટ્રેટે ’ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ (BNSS)ની કલમ 130 હેઠળ વિદ્યાર્થીને નોટિસ કેવી રીતે ફટકારી? કોર્ટે મેજિસ્ટ્રેટના આ પગલાંને પોતાના આદેશની ગંભીર અવહેલના ગણાવી હતી.’
