હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 48 કલાક બાદ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જ્યારે 4 અને 5 માર્ચના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે. જેના પગલે નાગરીકોને સાવચેત રહેવા જણાવાયું છે. ગઇકાલે સૌથી વધુ મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી રાજકોટમાં નોંધાયું હતું. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી મહુવામાં નોંધાયું છે.
હવામાન વિભાગ અનુસાર, કચ્છ અને તેની આસપાસના વિસ્તારો પર 1.5 કિ.મી. સુધીનું ઉપલા સ્તરનું ચક્રવાત પરિભ્રમણ હજુ પણ સક્રિય છે. આ ઉપરાંત, ઉત્તર તમિલનાડુથી દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી કર્ણાટક, મરાઠવાડા અને વિદર્ભ થઈને 0.9 કિ.મી.ની ઊંચાઈ પર એક ટ્રફ લાઇન પણ યથાવત છે. પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર પણ 1.5 કિ.મી. સુધીનું ઉપલા સ્તરનું ચક્રવાત પરિભ્રમણ પ્રવર્તી રહ્યું છે.
તાપમાનમાં આગામી 48 કલાકમાં કોઈ મોટો ફેરફાર નહિ થાય, પરંતુ ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી નો ક્રમશ: વધારો જોવા મળશે.હવામાન વિભાગ અનુસાર, 4 અને 5 માર્ચના રોજ ગુજરાત પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગરમ અને ભેજવાળી હવા રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં ગરમીનું પ્રમાણ સહન કરી શકાય તેવું રહેશે, પરંતુ બાળકો, વૃદ્ધો અને ક્રોનિક રોગોથી પીડિત લોકો જેવા સંવેદનશીલ વ્યક્તિઓ માટે મધ્યમ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.નાગરિકોને ગરમીના સંપર્કમાં આવવાનું ટાળવા, હળવા, આછા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ માથું ઢાંકવાની સલાહ હવામાન વિભાગ દ્વારા અપાઈ છે.
અમદાવાદમાં આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન આશરે 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાનો અંદાજ છે. ગુરુવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.5 ડિગ્રી ઓછું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 19.1 ડિગ્રી હતું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી વધુ હતું. શહેરમાં કોઈ વરસાદ નોંધાયો નથી.
