ગુજરાતમાં વીજ કંપનીઓના વિવિધ કામદાર યુનિયનો દ્વારા આગામી તા.પાંચ માર્ચથી આંદોલનની નોટીસ આપવામાં આવી છે ત્યારે રાજય સરકાર દ્વારા આ આંદોલન શરૂ થાય તે પહેલા જ ‘એસ્મા’ લાગુ કરી હડતાલ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી સમયે જ વીજ કર્મચારીઓ અને ઇજનેરો હડતાલ પાડી સરકારનું નાક દબાવે તેવી શકયતા ધ્યાને લઇ ‘એસ્મા’ લાગુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
રાજ્યના ઉર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયું છે, જેમાં આવશ્યક સેવા જાળવણી અધિનિયમ (ઊજખઅ) મુજબ હડતાળ પર પ્રતિબંધ અમલી કરવા અંગે જણાવ્યું છે. આ જાહેરનામું આગામી 6 મહિના સુધી અમલમાં રહેશે. રાજ્યમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને જનજીવન પર અસરો ટાળી શકાય તે માટે આ પગલુ ભરવામાં આવ્યું છે.
વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓના કર્મચારીઓ, વીજ ટ્રાન્સમિશન સાથે જોડાયેલા કર્મચારીઓ, વીજ વિતરણ (ડિસ્ટ્રિબ્યુશન) કર્મચારીઓ, ઇલેક્ટ્રિકલ પાવર ટ્રેડિંગ અને કો-ઓર્ડિનેશન એક્ટિવિટીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ પર આ પ્રતિબંધ લાગુ પડશે.
ઉલ્લેખનીય છે કે, સરકારી વીજ કંપનીઓના કર્મચારી યુનિયનો અને જીઇબી એન્જીનીયર્સ એસો. દ્વારા વિવિધ પડકાર માંગણીઓને લઇ આંદોલનની નોટીસો આપી છે અને જિલ્લા-તાલુકા તથા પાલિકા-મહાપાલિકાઓની ચુંટણી સમયે જ હડતાલનું શસ્ત્ર ઉગામે તેવી શકયતાના પગલે રાજ્ય સરકારે એસ્મા લાગુ કરી દીધો છે અને આગામી તા.20 માર્ચથી છ માસ માટે હડતાલ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
