દંપતી વાપી જતા હતા ત્યારે રસ્તામાં આવેલી હોટેલ પર એક શખ્સે તબીબનું વિઝિટિંગ કાર્ડ આપ્યું’તું
ડો. ઝરીવાલાએ ઘૂંટણમાંથી એક રસીનું ટીપુ કાઢવાના રૂપિયા 8 હજાર કહી 80 ટીપાં કાઢી છ લાખ ખંખેર્યા
રાજકોટમા બોગસ તબીબોનો રાફડો ફાટયો છે ત્યારે કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલની સામે આર. કે. પાર્કમા રહેતા પટેલ વૃધ્ધાના ઘુંટણની સારવારના બહાને બોગસ તબીબે એક રસીનુ ટીપુ કાઢવાના 8 હજાર કહી 80 ટીપા કાઢી છ લાખ પડાવી લીધાની ફરીયાદ તાલુકા પોલીસ મથકમા નોંધવામા આવી છે.
આ ઘટનામા આર. કે. પાર્કમા રહેતા સવજીભાઇ હરીભાઇ પટેલ નામના 70 વર્ષના વેપારી વૃધ્ધે ફરીયાદમા ડોકટર ઝરીવાલા, સંજય અગ્રાવલ અને મહેશ્ર્વરીનુ નામ આપતા તેઓ સામે છેતરપીંડી કરી અને ડોકટરની ખોટી ઓળખ આપ્યાની કલમ હેઠળ ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટનામા એએસઆઇ સલીમભાઇ માડમ તપાસ ચલાવી રહયા છે.
ફરીયાદી સવજીભાઇએ જણાવ્યુ હતુ કે તેઓ બીગ બઝાર ઇસ્કોન મોલમા ત્રીજા માળે ચેમ્પીયન્સ સોફટવેર ટેકનોલોજી લી. નામે ઓફીસ ધરાવી આઇટી સોફટવેરને લગતુ કામકાજ કરે છે. ગઇ તા 24-11 ના રોજ સવારના સાતેક વાગ્યે તેઓ તેમની પત્ની ગૌરીબેન તેમજ ડ્રાઇવર દિપકભાઇ ચૌહાણ એમ બધા ગાડી લઇને રાજકોટથી વાપી જવા માટે નીકળ્યા હતા ત્યારે જમવા માટે બપોરના દોઢેક વાગ્યે વડોદરાથી આવેલી ગીરનાર હોટલે રોકાયા હતા આ સમયે હોટલની બહાર નીકળતા પત્ની ગૌરીબેનને ચાલવામા તકલીફ થતી હોય અને ઘુંટણમા દુખાવો હોય જેથી એક અજાણ્યા વ્યકિતએ તેઓની પાસે જઇ પોતાની ઓળખ આપી અને તેઓએ પોતાનુ નામ મહેશ્ર્વરી હોવાનુ જણાવી અને કહયુ કે મુંબઇના ડોકટર ઝરીવાલા છે જે આવા પગની સારવાર કરે છે. તેનાથી 100 ટકા સારૂ થઇ જશે. ત્યારબાદ તેઓ ડો. ઝરીવાલાનુ વિઝીટીંગ કાર્ડ આપ્યુ હતુ.
ત્યારબાદ તા 27-11 ના રોજ વાપીથી રાજકોટ જવા નીકળ્યા ત્યારે ભરુચથી વડોદરા વચ્ચે આવેલી શિવ કૃપા હોટલ પાસે સંજય અગ્રવાલ નામનો માણસ મળ્યો હતો અને તેમણે પણ ડો. ઝરીવાલા પાસે સારવાર કરાવવાનુ કહયુ હતુ. જેથી સવજીભાઇ અને તેમના પત્ની ગૌરીબેનને ડો. ઝરીવાલા પર વિશ્ર્વાસ હોય અને આ સંજયે ડો. ઝરીવાલાનો નંબર આપ્યો હતો ત્યારબાદ સવજીભાઇની દિકરી જયશ્રીબેન વ્યવસાયે ડોકટર હોય તેઓ પણ સવજીભાઇની સાથે હોય જેથી તેમના મોબાઇલ નંબર પરથી ઝરીવાલાને રસ્તામા કોલ કરી ઘરે આવવાનુ કહયુ હતુ અને તા 1 ડીસેમ્બરના રોજ દંપતી અને તેમની દિકરી જયશ્રીબેન ઘરે હતા ત્યારે ડોકટર ઝરીવાલા ઘરે આવ્યા હતા અને તેઓએ કહયુ હતુ કે ઘુંટણમા રસી છે. એક ટીપુ કાઢવાના 8 હજાર થશે. જેથી સવજીભાઇએ હા પાડી હતી અને આ ડોકટર ઝરીવાલાએ કુલ રસીના 80 ટીપા બહાર કાઢયા હતા. જેના રૂપીયા 6 લાખ 40 હજાર થાય જેમાથી તેઓએ બે લાખ રૂપીયા રોકડા આપ્યા હતા અને બાકીના રૂપીયા આરટીજીએસ દ્વારા ખાતામા નાખી આપ્યા હતા. આ ઘટના બાદ થોડા દિવસ ગૌરીબેનને ઘુંટણીમા સારૂ રહયુ અને બાદમા દુખાવો ફરી શરૂ થતા ડોકટર બાબતે તપાસ કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હોય અને વિઝીટીંગ કાર્ડ પરથી તપાસ કરતા ડો. ઝરીવાલા જેવુ કોઇ તબીબ ન હોવાનુ જાણવા મળતા તેમની સાથે છેતરપીંડી થયાનુ જણાયુ હતુ.
