થરાદમાં ભયાનક માર્ગ અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કાર ઝાડ સાથે અથડાઈ, બેનાં મોત, કારમાંથી દારૂ મળ્યો

  બનાસકાંઠાના થરાદમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદના પીલુડા અને કરબૂણ ગામ વચ્ચે દારૂ ભરીને લઈ જતી એક પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે…

 

બનાસકાંઠાના થરાદમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદના પીલુડા અને કરબૂણ ગામ વચ્ચે દારૂ ભરીને લઈ જતી એક પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે.અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

મળતી વિગતો અનુસાર વહેલી સવારે એક સફેદ રંગની ગાડી પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં છે. જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગત્નાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને દારૂ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, આખી ગાડી દારૂના જથ્થાથી ભરેલી હોવાનું જણાય છે, જે ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યો હતો.

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગાડીને બહાર લાવવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. દારૂના જથ્થા અને ગાડીના માલિક અંગેની વધુ તપાસ શરૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *